અમેરિકામાં આગામી 4-6 અઠવાડિયામાં કોરોનાનાં કેસ ચાર ગણા વધી શકે છે

અમેરિકામાં આગામી 4-6 અઠવાડિયામાં કોરોનાનાં કેસ ચાર ગણા વધી શકે છે

વોશિંગ્ટન, 27 જુલાઇ 2021 મંગળવાર

અમેરિકામાં રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી) નાં પૂર્વ નિયામક ડો. ટોમ ફ્રિડેને કહ્યું છે કે અમેરિકામાં કોવિડ-19નાં કેસ આગામી ચાર થી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા વધી શકે છે. સીએનએનનાં રિપોર્ટ મુજબ, તેમણે આની પાછળ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટનાં ફેલાવા અને રસીકરણની ગતિ ધીમી હોવાનું જણાવ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, અમેરિકામાં એક દિવસમાં બે લાખથી વધુ કેસ છેલ્લી વખત જાન્યુઆરીમાં નોંધાયા હતા.

ડો.ફ્રીડેને કહ્યું, ‘આપણે મુશ્કેલ સમય તરફ આગળ વધી રહ્યા છીએ. એવી સંભાવના છે કે અમેરિકાની સ્થિતિ પણ યુનાઇટેડ કિંગડમ (યુકે) જેવી જ થઇ શકે છે, જો આવું થશે તો આગામી સમયમાં અહીં એક જ દિવસમાં બે લાખ જેટલા કેસ જોવા મળી શકે છે. 

જો કે, તેમણે કહ્યું કે અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુ દર વધવાની સંભાવના નથી કારણ કે મોટી સંખ્યામાં સંવેદનશીલ લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ તેમણે કહ્યું કે,મૃત્યુમાં ધીમી અને સ્થિર વૃદ્ધિ થશે અને તેને રોકવું શક્ય બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં 25 થી 30 ટકા વસ્તી રસી લગાવવા જ નથી માંગતી, અને આ લોકોનાં કારણે સંક્રમણ ફેલાશે. જે ચિંતાનું કારણ બન્યું છે.

Share: