કોંગ્રેસ નથી સંસદ ચાલવા દેતી અને નથી ચર્ચા કરવા તૈયારઃ પીએમ મોદી

કોંગ્રેસ નથી સંસદ ચાલવા દેતી અને નથી ચર્ચા કરવા તૈયારઃ પીએમ મોદી

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર

સંસદ શરૂ થતા પહેલા ભાજપના સંસદીય દળની આજે બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાના મત વિસ્તારમાં જઈને સરકારની સિધ્ધિઓ અંગે જાણકારી આપવા માટે અપીલ કરી હતી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે દરેક સાંસદે પોતાના મત વિસ્તારના 75 ગામડાઓની મુલાકાત લેવી જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ સંસદની કાર્યવાહી નહીં ચાલવા દેવા પર કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, કોંગ્રેસ સંસદ પણ ચાલવી નથી દેતી અને ચર્ચા પણ થવા નથી દેતી. કેટલાક દિવસો પહેલા વેક્સિનેશનને લઈને તમામ પાર્ટીઓની બેઠકનો પણ કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આઝાદીના 75 વર્ષ નિમિત્તે યોજાનારો અમૃત મહોત્સવ સરકારી કાર્યક્રમ ના બની જાય તે જોવાની જરૂર છે. સાંસદોએ પોતાના મત વિસ્તારની મુલાકાત લઈને મતદારોને પણ જાણકારી આપવાની જરૂર છે કે, વિપક્ષી પાર્ટીઓ  સરકાર સાથે કોઈ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર નથી.

સંસદીય કાર્યોના રાજ્ય કક્ષાના મંત્રી અર્જુન મેઘવારે બેઠક અંગે કહ્યુ હતુ કે, આઝાદીના 75 વર્ષની ઉજવણીને જન આંદોલનમાં ફેરવવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે.

Share: