આસામના પોલીસ જવાનોની હત્યા બાદ મણીપુરના જવાનોએ ઉજવણી કરી, આસામ સીએમનો આરોપ

આસામના પોલીસ જવાનોની હત્યા બાદ મણીપુરના જવાનોએ ઉજવણી કરી, આસામ સીએમનો આરોપ

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર

આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ મુદ્દે ચાલી રહેલો તનાવ આખરે હિંસક બન્યો છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, બે રાજ્યોની પોલીસ વચ્ચે ફાયરિંગ થયુ હોય

ગઈકાલે મિઝોરમના પોલીસ જવાનો અને તોફાની તત્વોએ આસામ પોલીસ પર કરેલા ફાયરિંગમાં 6 જવાનોના મોત થયા છે. બીજા 50 ઘાયલ થયા છે.

એ પછી બંને રાજ્યોના મુખ્યમંત્રી વચ્ચે પણ ટ્વિટર પર જંગ છેડાયો છે. આસામના મુખ્યમંત્રી હેમત બિસ્વા સરમાએ તો એક વિડિયો પોસ્ટ કરીને આક્ષેપ કર્યો છે કે, મિઝોમના જવાનો અને તોફાની તત્વોએ ફાયરિંગ કર્યા બાદ આસામના પોલીસ જવાનોના મોતની ઉજવણી કરી છે.

આસામના મુખ્યમંત્રીએ પોસ્ટ કરેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, ફાયરિંગ કરનારા જવાનોનુ હાર પહેરાવીને અને ભોજન આપીને મિઝોરમના લોકો સ્વાગત કરી રહ્યા છે. હેમંત સરમાએ કહ્યુ હતુ કે, આસામ પોલીસના છ વીર જવાનોએ પોતાની સરહદની રક્ષા કરતા પ્રાણ આપી દીધા છે.

દરમિયાન આસામ પોલીસનુ કહેવુ છે કે, સરહદને લઈને બંને રાજ્યોના અધિકારીઓ વાત કરી રહ્યા હતા, મિઝોરમ પોલીસના અધિકારીઓ બેઠકમાં સામેલ હતા અને તે સમયે મિઝોરમ તરફથી પથ્થરમારો અને બાદમાં ફાયરિંગ શરૂ થઈ ગયુ હતુ.

દરમિયાન મિઝોરમના ગૃહ મંત્રીએ આક્ષેપ કર્યો છે કે, આસામ પોલીસના 200 જવાનોએ સરહદ પર સીઆરપીએફ જવાનોની પોસ્ટને ક્રોસ કરીને મિઝોરમ પોલીસની પોસ્ટને નુકસાન પહોંચાડ્યુ હતુ અને મિઝોરમના નિશસ્ત્ર નાગરિકો પર ટિયરગેસના સેલ છોડયા હતા. જેનાથી ઘણા નાગરિકો ઘાયલ થયા હતા.

આસામ અને મિઝોરમ વચ્ચે 164 કિલોમીટર લાંબી બોર્ડર છે અને તેને લઈને ગયા વર્ષે ઓગસ્ટમાં અને તાજેતરમાં ફેબ્રૂઆરી મહિનામાં ઝડપ થઈ હતી. આસામ પોલીસે પોતાની જમીન પર દબાણ થયુ હોવાનુ કહીને મિઝોરમના કેમ્પ હટાવવાના શરૂ કર્યા ત્યારથી વિવાદ વધારે વકર્યો છે.

Share: