દેશનાં આ બે રાજ્યો વચ્ચેનો સરહદ વિવાદ વકર્યો, બોર્ડર પર પથ્થરમારો અને ફાયરિંગ થયું

દેશનાં આ બે રાજ્યો વચ્ચેનો સરહદ વિવાદ વકર્યો, બોર્ડર પર પથ્થરમારો અને ફાયરિંગ થયું

નવી દિલ્હી, 26 જુલાઇ 2021 સોમવાર

અસમ-મિઝોરમ બોર્ડર પર હિંસા ફાટી નીકળવાના સમાચાર છે. આસામ પોલીસે માહિતી આપી છે કે મિઝોરમના કેટલાક તોફાની તત્વોએ બંને રાજ્યોની સરહદ પર પથ્થરમારો અને ફાયરિંગ કર્યું છે. આ બાબતે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ એકબીજા પર આરોપ લગાવતા ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તક્ષેપની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમિત શાહે આ મુદ્દે એક બેઠક કરી હતી.

બંને મુખ્યમંત્રીએ એકબીજા પર આરોપ લગાવ્યો 

આ બાબતે, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ મિઝોરમના મુખ્ય પ્રધાનને ટ્વીટ કરીને લખ્યું છે કે માનનીય ઝોરમથંગા જી, કોલાસિબ (મિઝોરમ)નાં એસપીએ અમને કહ્યું છે કે જ્યાં સુધી અમે અમારી પોસ્ટ પરથી નહીં હટીએ ત્યાં સુધી તેમના નાગરિકો સાંભળશે નહીં અને હિંસા બંધ નહીં થાય, આવી સ્થિતિમાં સરકાર કેવી રીતે ચલાવી શકાય?

ત્યાં જ, આ ટ્વિટના જવાબમાં, ઝોરમથંગાએ ટ્વિટ કરીને લખ્યું છે કે હિમંત જી, અમિત શાહ જીએ બંને મુખ્યમંત્રીઓ સાથે નિર્ણાયક બેઠક કરી હતી. તે પછી આશ્ચર્યજનક રીતે આજે મિઝોરમમાં વેરિંગટે ઓટો રિક્ષા સ્ટેન્ડ નજીક આસામ પોલીસની બે કંપનીઓ નાગરિકો સાથે આવી અને ટીયર ગેસના શેલ છોડ્યા અને ત્યાં હાજર નાગરિકો ઉપર લાઠીચાર્જ કર્યો તેઓએ સીઆરપીએફ અને મિઝોરમ પોલીસ કર્મચારીઓને પણ હાંકી કાઢ્યા.

બંને મુખ્ય પ્રધાનોએ એકબીજા સાથે ચર્ચા કરીને બંનેએ રાજ્યની સરહદે યથાસ્થિતી અને શાંતિ જાળવી રાખવા માટે તેમણે સહેમતી વ્યક્ત કરી, બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહે પણ બંને મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી અને શાંતિપુર્વક સરહદ વિવાદ ઉકેલવાનું કહ્યું છે. હાલ તો બંને રાજ્યની પોલીસ વિવાદિત સ્થળેથી પાછી ફરી છે. 

Share: