પેગાસસ જાસૂસી કાંડઃ મમતા સરકાર કરાવશે કેસની તપાસ, આયોગની રચના કરી

પેગાસસ જાસૂસી કાંડઃ મમતા સરકાર કરાવશે કેસની તપાસ, આયોગની રચના કરી


– 2 સદસ્ય ધરાવતા આયોગની અધ્યક્ષતા કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય સંભાળશે

નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર

પેગાસસ સ્પાયવેર દ્વારા દિગ્ગજ હસ્તિઓના કથિત જાસૂસી કાંડમાં કેન્દ્ર સરકારનું નામ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહત્વનો નિર્ણય લીધો છે. હકીકતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કેસની તપાસ માટે એક આયોગની રચના કરવાની જાહેરાત કરી છે. 

રિટાયર્ડ જજ હશે આયોગના સદસ્ય

સોમવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની વિશેષ બેઠકમાં પેનલ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના સદસ્ય રિટાયર્ડ જજ હશે. 

સીએમનું નિવેદન

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા ખાતે એક સંમેલનમાં જણાવ્યું કે, મને લાગતું હતું કે ફોન હેક કરવામાં આવ્યા તેની તપાસ માટે કેન્દ્ર કોઈ તપાસ આયોગની રચના કરશે અથવા કોર્ટના મોનિટરીંગમાં તપાસનો આદેશ આપવામાં આવશે… પરંતુ સરકાર કશું જ નથી કરી રહી.. આ કારણે અમે આ કેસની તપાસ માટે તપાસ આયોગ રચવાનો નિર્ણય લીધો છે. 

2 સદસ્ય ધરાવતા આયોગની અધ્યક્ષતા કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય સંભાળશે. ઉચ્ચતમ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર તેના બીજા સદસ્ય છે. 

મમતા બેનર્જીએ જણાવ્યું કે, પેગાસસ દ્વારા જે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળના લોકોના નામ પણ સામે આવ્યા છે. કેન્દ્ર બધાની જાસૂસી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આયોગ ગેરકાયદેસર રીતે ફોન હેક કરવાના કેસની સંપૂર્ણ જાણકારી મેળવશે. 

કથિત જાસૂસીને લઈ રાજકીય વિવાદ

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ નેતાઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારોની કથિત જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ દેશ અને દુનિયાભરમાં તેને લઈ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. 

Share: