રાજ્યસભામાં IT મંત્રી પાસેથી કાગળ છીનવી લઈને ફાડવા મુદ્દે TMCના સાંસદને કરાયા સસ્પેન્ડ

રાજ્યસભામાં IT મંત્રી પાસેથી કાગળ છીનવી લઈને ફાડવા મુદ્દે TMCના સાંસદને કરાયા સસ્પેન્ડ


– 2019માં ઉત્તર કોલકાતાના એક પ્રમોટરે આરોપ લગાવ્યો હતો કે શાંતનુ સેન તેમના પાસેથી કટ મની લેતા આવ્યા છે

નવી દિલ્હી, તા. 23 જુલાઈ, 2021, શુક્રવાર

રાજ્યસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી કાગળ છીનવી લઈને ફાડનારા ટીએમસીના સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકીના સેશનમાં સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહ્યું હતું. 

સરકારે શુક્રવારે રાજ્યસભામાં શાંતનુ સેનને સદનની બાકી કાર્યવાહીમાંથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, ટીએમસી સાંસદ શાંતનુ સેને ગુરૂવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવીને તેને ફાડી નાખ્યો હતો અને હવામાં ફેંકી દીધો હતો. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ તે સમયે રાજ્ય સભામાં પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસુસી કરવા સંબંધી ખબરો અને તે અંગે વિપક્ષના આરોપોને લઈ નિવેદન આપી રહ્યા હતા. 

કોણ છે શાંતનુ સેન

ગઈકાલથી ચર્ચામાં આવેલા ટીએમસી સાંસદ શાંતનુ સેન વ્યવસાયે ડોક્ટર છે. ડૉક્ટર શાંતનુ સેન ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે. નોર્થ કોલકાતાના રહેવાસી શાંતનુ એક સમયે કોલકાતામાં ટીએમસીના કાઉન્સિલર હતા.

2016માં લડ્યા હતા વિધાનસભા ચૂંટણી

તૃણમૂલ કોંગ્રેસે 2016માં શાંતનુ સેનને મુર્શિદાબાદની કાંદી બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. જોકે શાંતનુ સેન ચૂંટણી નહોતા જીતી શક્યા અને કોંગ્રેસના હાથે હાર્યા હતા. ત્યાર બાદ કાઉન્સિલરથી ટીએમસીએ શાંતનુને રાજ્યસભાની ટિકિટ આપી હતી અને રાજ્યસભાના સાંસદ બનાવી દીધા હતા. 

વિવાદોથી દૂર પણ કટ મનીનો આરોપ

શાંતનુ સેન ટીએમસીમાં એક ભણેલા ગણેલા અને વિવાદોથી દૂર રહેતા નેતા તરીકે ઓળખાય છે. અત્યાર સુધી તેમના વિરૂદ્ધ કોઈ ક્રિમિનલ કેસ નથી નોંધાયો. જોકે 2019માં ઉત્તર કોલકાતાના એક પ્રમોટરે આરોપ લગાવ્યો હતો કે શાંતનુ સેન તેમના પાસેથી કટ મની લેતા આવ્યા છે. 

આરોપ પ્રમાણે શાંતનુ સેન જ્યારે કાઉન્સિલર હતા ત્યારથી વિસ્તારમાંથી કટ મની વસૂલતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2019માં જ મમતા બેનર્જીએ સાર્વજનિક સ્વરૂપે વિનંતી કરી હતી કે જે લોકો કટ મની લેતા આવ્યા છે તેવા ટીએમસી નેતા કટ મની પાછા આપે. આ વિનંતી બાદ પ્રમોટર સુમંત્ર ચૌધરીએ આરોપ લગાવ્યો હતો જે તે સમયે ખૂબ ચર્ચિત બન્યો હતો. 

જોકે શાંતનુ સેને પ્રમોટરના તમામ આરોપો નકારી દીધા હતા અને કોર્ટમાં પ્રમોટર વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવા જણાવ્યું હતું. આ એક મુદ્દા સિવાય શાંતનુ સેન કદી વિવાદ કે ચર્ચામાં નથી આવ્યા. જોકે તેઓ સતત ટીએમસી તરફથી મેડિકલ મુદ્દે સલાહ આપવાનું કે ચિઠ્ઠી લખવાનું કામ કરતા રહ્યા છે. 

Share: