બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખની FIR રદ્દ કરવાની માંગ ફગાવી

બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખની FIR રદ્દ કરવાની માંગ ફગાવી

મુંબઇ, 22 જુલાઇ 2021 ગુરૂવાર

બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં દેશમુખે ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા તેમની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. આ સાથે જ કોર્ટે દેશમુખ સામે CBI ની FIR ના ભાગોને પડકારતી રાજ્ય સરકારની અરજીને પણ ફગાવી દીધી હતી.

આ પહેલા 19 મી જુલાઇએ દેશમુખે કહ્યું હતું કે આ અરજી અંગે હાઈકોર્ટના નિર્ણય પછી જ હું ઇડી સમક્ષ મારૂ નિવેદન નોંધવા રજૂઆત કરીશ. નોંધનીય છે કે, આ મામલે પુછપરછ માટે સમન જારી કરવામાં આવ્યું હોવા છતાં દેશમુખ અગાઉ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. હવે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે, એવી અપેક્ષા છે કે ઇડી દેશમુખની ટૂંક સમયમાં પુછપરછ કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયાની લાંચ અને ખંડણી ઉઘરાવવાનાં કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસને કારણે આ વર્ષે એપ્રિલમાં દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તાજેતરમાં જ અનિલ દેશમુખનાં અંગત સચિવ સંજીવ પલાન્ડે (51) અને અંગત મદદનીશ કુંદન શિંદે (45) ની ધરપકડ કરી હતી.

Share: