મોદી સરકારના મંત્રી મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોને કહ્યા મવાલી, ટિકૈતે આપ્યા આવો જવાબ

મોદી સરકારના મંત્રી મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોને કહ્યા મવાલી, ટિકૈતે આપ્યા આવો જવાબ

નવી દિલ્હી, 22 જુલાઇ 2021 ગુરૂવાર

તાજેતરમાં જ મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવેલી મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત નથી. લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીએ થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા, નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીએ એમ પણ કહ્યું છે કે વિરોધીઓનો રાજકીય એજન્ડા છે.

મીનાક્ષી લેખીના આ વિવાદિત નિવેદનને પગલે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે અને ઘણા યુઝર્સે લેખીના રાજીનામાની માંગ શરૂ કરી દીધી છે. બીજી તરફ, ટિકૈતે મવાલી ​​કહેવા પર કહ્યું કે આવી વાત ખેડૂતો માટે ન બોલવી જોઇએ.

પગાસસ જાસૂસી અંગે સંસદમાં થયેલા હંગામો અંગે બિજેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આવેલા મીનાક્ષી લેખીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ” સૌથી પહેલા તો તેઓને ખેડૂત કહેવાનું બંધ કરો, કારણ કે તેઓ ખેડૂત નથી, તેઓ કાવતરાખોરો દ્વારા ઉશ્કેરવામાં આવેલા કેટલાક લોકો છે.

જે લોકો સતત ખેડૂતોના નામે આ કૃત્યો કરે છે. ખેડુતો પાસે જંતર-મંતર પર બેસવાનો સમય નથી, તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે. આ લોકો આઢતિયાઓ દ્વારા ચઢાવવામાં આવ્યા છે, જેઓ નથી ઇચ્છતા કે ખેડૂતોને ફાયદો થાય.

બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીએ જે બન્યું તે પણ શરમજનક હતું, અને વિપક્ષો દ્વારા આવી બાબતોને પ્રોત્સાહિત કરવામાં આવી. ફરી એકવાર, જ્યારે પત્રકારોએ ખેડૂતો વિશે પૂછ્યું, ત્યારે મીનાક્ષીએ કહ્યું, “તમે ફરીથી તેમને ખેડૂત કહ્યા, તેઓ મવાલી ​​છે.”

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે, ‘મવાલીઓ તે છે જે કંઇ કરતા નથી. ખેડૂતો માટે આવું કહેવું યોગ્ય નથી. આપણે ખેડૂત છીએ, મવાલી ​​નથી. ખેડૂત અન્નદાતા છે. ” ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું, ” આ પ્રકારનું નિવેદન 80 કરોડ ખેડૂતોનું અપમાન છે.

જો આપણે મવાલી હોઈએ તો મીનાક્ષી લેખીએ આપણે ઉગાડેલા અનાજ ખાવાનું બંધ કરવું જોઈએ. તેમને શરમ આવવી જોઇએ. તેમના નિવેદનની ટીકા કરતા અમે ‘કિસાન સંસદ’માં ઠરાવ પસાર કર્યો છે.

Share: