મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ઘેરાયા, 15 કરોડની લાંચ મામલે FIR

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ઘેરાયા, 15 કરોડની લાંચ મામલે FIR


– પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો

નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં 15 કરોડની લાંચનો આરોપ લગાવાયો છે. 

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદો નિપટાવવાના બદલામાં તેમના પાસેથી 15 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. 

આ એફઆઈઆરમાં મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ ઉપરાંત 5 અન્ય પોલીસકર્મીઓ અને 2 સામાન્ય નાગરિકોના નામ સામેલ છે. મતલબ કે કુલ 8 લોકોના નામે આ એફઆઈઆર થઈ છે. એફઆઈઆરમાં જે પોલીસ કર્મચારીઓના નામ છે તે પૈકીના એક મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મી ક્રાઈમ બ્રાંચના અલગ અલગ યુનિટ્સમાં ઈન્સપેક્ટર રેન્ક પર તૈનાત છે. 

આ મામલે જે 2 નાગરિકોના નામ આવ્યા છે તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ પોલીસ કર્મચારીની ધરપકડ નથી કરાઈ. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમના આ આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં સુધી કે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. આ સમગ્ર વિવાદમાં પરમબીર સિંહે પણ પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે હવે એક બિલ્ડરે પરમબીર સિંહ વિરુદ્ધ જ કેસ અને ફરિયાદ નિપટાવવા બદલ 15 કરોડની ડિમાન્ડ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 

Share: