સરકારે ઓક્સિજનની વ્યવસ્થા ના કરી એટલે મોત થયા, પ્રિયંકા ગાંધીએ ખોલ્યો સરકાર સામે મોરચો

સરકારે ઓક્સિજનની વ્યવસ્થા ના કરી એટલે મોત થયા, પ્રિયંકા ગાંધીએ ખોલ્યો સરકાર સામે મોરચો

નવી દિલ્હી,તા.21 જુલાઈ 2021,બુધવાર

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કમીથી કોઈ મોત નહીં થયા હોવાના કેન્દ્ર સરકારના નિવેદન સામે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોરચો ખોલ્યો છે.

પ્રિયંકા ગાંધીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ છે કે, કોરોનામાં લોકોના મોત એટલે થયા હતા કે, સરકારે ઓક્સિજનની નિકાસ 700 ટકા વધારી દીધી હતી, સરકારે ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરવા માટેના ટેન્કરોની વ્યવસ્થા પણ કરી નહોતી.

તેમણે કહ્યુ હતુ કે, લોકોના મોત એટલે થયા છે કે, સરકારે જાણકારોની સલાહને અવગણીને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે કોઈ વ્યવસ્થા કરી નહોતી, હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં કોઈ સક્રિયતા દાખવી નહોતી.

આ પહેલા ગઈકાલે સરકાર દ્વારા રાજ્યસભામાં જાણકારી આપવામાં આવી હતી કે, કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એક પણ મોત થયુ નથી. એક પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસતિ પ્રદેશે ઓક્સિજનના અભાવે મોત થયુ હોવાની જાણકારી આપી નથી.

જોકે આ નિવેદન બાદ હવે વિપક્ષોને મોદી સરકાર સામે હોબાળો કરવા માટે નવો મુદ્દો મળી ગયો છે. કારણકે ભારતમાં હજારો લોકો ઓક્સિજનના અભાવે મરી ગયા હોવાના દ્રશ્યો બીજી લહેરમાં રોજે રોજ જોવા મળી રહ્યા હતા ત્યારે સરકારના નિવેદનથી આશ્ચર્ય સર્જાવુ સ્વાભાવિક છે.

Share: