હોસ્પિટલો પૈસા કમાવાનું સાધન, લોકોની જિંદગીની કિંમત પર અમે સમૃધ્ધ નહીં થવા દઇએ: સુપ્રિમ

હોસ્પિટલો પૈસા કમાવાનું સાધન, લોકોની જિંદગીની કિંમત પર અમે સમૃધ્ધ નહીં થવા દઇએ: સુપ્રિમ

નવી દિલ્હી, 19 જુલાઇ 2021 સોમવાર

સર્વોચ્ચ અદાલતે આજે ખાનગી હોસ્પિટલોને ફટકાર લગાવતા કહ્યું કે આવી હોસ્પિટલો રૂપિયા કમાવાનું એક સાધન બની ગઇ છે, પરંતું અમે કોઇ પણ કિંમત પર તેમને સમૃધ્ધ નહીં થવા દઇએ, ન્યાયાધિશ ડી વાય ચંદ્રચુ઼ડ અને એમ આર શાહની બેન્ચે કહ્યું કે હોસ્પિટલો એક મોટો બિઝનેશ બની ગઇ છે, અને માનવ જીવનને સંકટમાં મુકીને આ બધું થઇ રહ્યું છે, તેમણે કહ્યું કે નાના મકાનોમાં ચાલતી હોસ્પિટલોનાં બદલે રાજ્ય સરકાર તેનાથી વધુ સારી સુવિધા આપી શકે છે. સારૂ એ રહેશે કે આવી હોસ્પિટલો બંધ જ થઇ જાય.

સુપ્રિમ કોર્ટમાં ગુજરાતનાં રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં કોવિડ-19 હોસ્પિટલોમાં આગની ઘટના સંબંધિત કેસની સુનાવણી થઇ રહી હતી, સર્વોચ્ચ અદાલતે રહેવા લાયક મકાનોમાં હોસ્પિટલો શરૂ કરવાની મંજુરી આપવા માટેની સમય મર્યાદા જુન, 2022 સુધી વધારવાનાં ગુજરાત સરકારનાં નિર્ણયની આકરી ટીકા કરી, અને રાજ્ય સરકારને આવી હોસ્પિટલોને રાહત આપનારી નોટિફિકેશન પાછી ખેંચવા કહ્યું છે. 

કોર્ટે કહ્યું કે જે દર્દીઓ કોવિડથી સાજા થઇ ગયા હતા અને આગલા દિવસે તો તેમને રજા આપવાની હતી, પરંતું આગ લાગવાથી તેમનું મોત થઇ ગયું, અને બે નર્સો પણ જીવતી સળગી ગઇ, આ માનવીય ત્રાસદી છે, જે આપણી આંખો સમક્ષ બની છે, તેમ છતાં પણ આપણે આવી હોસ્પિટલોની સમય મર્યાદા વધારી રહ્યા છિએ.

Share: