રાજ્ય સરકારે આજે જાહેર કરી નવી કોરોના ગાઇડલાઇન, જાણો તેની મહત્વની બાબતો

રાજ્ય સરકારે આજે જાહેર કરી નવી કોરોના ગાઇડલાઇન, જાણો તેની મહત્વની બાબતો

ગાંધીનગર, 16 જુલાઇ 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે દિનપ્રતિદિન ઘટી રહ્યું છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પ્રમુખ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેતા રાજ્ય સરકારે આજે નવી કોરોના ગાઇડલાઇનની ઘોષણા કરી છે.

જે મુજબ સરકારે 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂનો સમય લંબાવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢનો સમાવેશ થાય છે, આ શહેરોમાં હાલ રાત્રિ કર્ફયુ રાત્રે 10થી સવારે 6 સુધી અમલમાં છે. અને તેની મુદત 20 જુલાઇ-2021ની સવારે 6 વાગ્યે સમાપ્ત થાય છે, હવે તેને 31 જુલાઇ-2021 સુધી લંબાવવામાં આવ્યો છે.

જો કે હવે રાજ્યમાં 20 જુલાઈથી વોટરપાર્ક અને સ્વીમિંગપુલ ખોલી શકાશે. જોકે આ વોટરપાર્ક અને સ્વીમિંગ પુલ પણ 60% ક્ષમતા સાથે જ ખુલશે. જો કે વોટરપાર્ક અને સ્વીમિંગપુલના માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જૂલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે, નહી તો આવા વોટર પાર્ક્સ કે સ્વિમિંગ પુલ ચાલુ રાખી શકાશે નહીં. 

આ સાથે જ રાજ્યમાં હવે ખાનગી અને પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન શરૂ થશે, પબ્લિક અને ખાનગી ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે, પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઉભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એસી બસ સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. તમામ ડ્રાઇવર અને કન્ડક્ટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત છે.

Share: