ભારે વરસાદ બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક રૂટની લોકલ ટ્રેન બાધિત

ભારે વરસાદ બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક રૂટની લોકલ ટ્રેન બાધિત


– પૂર્વાનુમાન પ્રમાણે હાઈ ટાઈડ દરમિયાન દરિયાની લહેરો 4 મીટર ઉંચે ઉઠી શકે છે

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

મુંબઈમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. વરસાદના કારણે દાદર, સાયન, હિંદમાતા, અંધેરી સબ વે, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના તમામ વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુંબઈમાં ગુરૂવાર સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે. રાતે વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવનું સંકટ સર્જાયું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. 

સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે મુંબઈના અનેક રૂટ્સને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. કુર્લામાં 2 ડાયવર્ઝન છે અને સાયન વિસ્તારમાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વરસાદના કારણે મુંબઈમાં રેલવેની ગતિ ધીમી પડી છે. પાટા પર પાણી ભરાઈ જવાના કારણે કુર્લા-વિદ્યા નગર લાઈન પર ટ્રેન 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર લાઈનની સ્થિતિ પણ એવી જ છે. 

હવામાન વિભાગે આજે સાંજે 4:26 કલાકે હાઈ ટાઈડની આશંકા દર્શાવી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વિભાગે દરિયા કિનારે જવાને લઈ એલર્ટ આપી દીધું છે. પૂર્વાનુમાન પ્રમાણે હાઈ ટાઈડ દરમિયાન દરિયાની લહેરો 4 મીટર ઉંચે ઉઠી શકે છે. 

વડાલા ખાતે 4 રસ્તા પર પાણી ભરાયા છે જેથી લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. મુંબઈના ગાંધી માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. 

Share: