અંગ્રેજોના જમાનાનો દેશદ્રોહનો કાયદો સરકારે કેમ રદ ન કર્યો : સુપ્રીમ

અંગ્રેજોના જમાનાનો દેશદ્રોહનો કાયદો સરકારે કેમ રદ ન કર્યો : સુપ્રીમ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૫

બ્રિટિશ યુગના દેશદ્રોહના કાયદાના ‘વ્યાપક દુરઉપયોગ’ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આઝાદીની ચળવળ દબાવી દેવા માટે મહાત્મા ગાંધી જેવા લોકોને ‘ચૂપ’ કરી દેવા બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલો  કાયદો રદ શા માટે નથી કરતાં તેવો સવાલ કર્યો હતો. આઈપીસીની કલમ ૧૨૪એ (દેશદ્રોહ)ને ગેરબંધારણિય ઠેરવવા માટે એડીટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયા અને ભૂતપૂર્વ મેજર જનરલની અરજી અંગે સુનાવણી કરવા માટે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામનાના અધ્યક્ષપદે એક બેન્ચે સંમતિ દર્શાવી હતી. ન્યાયાધીશ રામનાએ હતું કે તેમની મુખ્ય ચિંતા આ ‘કાયદાનો દુરુપયોગ’ છે. આ સાથે તેમણે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. અરજદારોનો દાવો છે કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર પ્રતિબંધ મૂકે છે.

ન્યાયાધીશો એ. એસ. બોપન્ના અને ઋષિકેશ રોયને સમાવતી બેન્ચે કહ્યું કે, અમને કેટલાક સવાલોના જવાબ જોઈએ છે. આ બ્રિટિશ યુગનો કાયદો છે અને આઝાદીની ચળવળ દબાવવા બ્રિટિશરોએ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. મહાત્મા ગાંધી, ગોખલે અને અન્યોને ચૂપ કરી દેવા માટે બ્રિટિશરોએ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો.  આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આ કાયદાનો ઉપયોગ જરૂરી છે? દેશદ્રોહના કાયદાનો વ્યાપક દુરુપયોગ થયો હોવાનું નિરિક્ષણ કરતાં બેન્ચે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ ૬૬એના દુરુપયોગ અંગે પણ ચેતવણી ઉચ્ચારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે લાંબા સમય પહેલાં આ કલમ હટાવી લેવાઈ હોવા છતાં તેના હેઠળ કેસ નોંધાતા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે, ‘આ તો એવું છે કે કોઈ સુથારને લાકડું કાપવાનું કહ્યું હોય અને તે આખું જંગલ કાપી નાંખે.’

સીજેઆઈએ કહ્યું હતું કે, કોઈ જૂથવાદી જ બીજા જૂથનો અવાજ દબાવી દેવા માટે આવી જોગવાઈ લાગુ કરી શકે. કોઈ ચોક્કસ પક્ષ અથવા લોકો અન્યોનો અવાજ સાંભળવા ઈચ્છતા ન હોય ત્યારે તેઓ અન્યો પર આ કાયદાનો ઉપયોગ કરે છે. બેન્ચે દેશની આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આ કાયદો ચાલુ રહેવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, અમને ખબર નથી પડતી કે સરકાર શા માટે આ અંગે કોઈ નિર્ણય લેતી. તમારી સરકારે તો બ્રિટિશ યુગના અનેક અર્થહીન કાયદાઓ દૂર કર્યા છે.

બેન્ચે જણાવ્યું હતું કે, તે કોઈ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પર દોષારોપણ નથી કરતી, પરંતુ કમનસીબે આ કાયદાનો વ્યાપક દુરુપયોગ થાય છે અને તેની કોઈ જવાબદેયીતા નથી. વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરતાં બેન્ચે કહ્યું કે દેશના કોઈ અંતરિયાળ ગામમાં એક પોલીસ અધિકારી કોઈ વ્યક્તિને ફસાવવા માગે તો તે સરળતાથી આ જોગવાઈનો ઉપયોગ કરીને તેને પરેશાન કરી શકે છે. વધુમાં બેન્ચે કહ્યું કે, દેશદ્રોહના કાયદામાં સજાની ટકાવારી પણ ખૂબ જ ઓછી છે અને આ બાબતો અંગે નિર્ણય લેવાની જરૂર છે.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે આ કાયદાનો બચાવ કરતાં કહ્યું કે,  આ કાયદો રદ કરવાના બદલે તેનો દુરુપયોગ અટકાવવા કોર્ટે માર્ગદર્શિકા આપવી જોઈએ. વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે, તે દેશદ્રોહનો કાયદો ખતમ નહીં કરે. રાષ્ટ્રવિરોધી, આતંકવાદી તત્વો સામે અસરકારક રીતે કામ લેવા આ કાયદાની જરૂર છે.

એડિટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયા તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે, પત્રકારો દ્વારા કલમ ૧૨૪એ (દેશદ્રોહ)ની બંધારણિયતાને પડકારતી અલગ અરજી દાખલ કરી છે. સાથે જ તેમણે કાયદાના દુરુપયોગને અટકાવવા માટે માર્ગદર્શિકા ઘડવાની પણ માગણી કરી છે. બેન્ચે અરજદારોમાંથી એક ભૂતપૂર્વ સૈન્ય અધિકારી મેજર જનરલ એસ.જી. વોમ્બતકેરે (નિવૃત્ત)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે તેમનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને આ કાયદાને પડકારવા માટેના તેમના આશય ઉપર સવાલ ઉઠાવી શકાય નહીં. વોમ્બતકરેએ કહ્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

દેશદ્રોહનો કાયદો શું છે? અને ક્યારે બન્યો?

ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય દંડ સંહિતા – આઈપીસી)ની કલમ ૧૨૪એની બીનજામીનપાત્ર જોગવાઈ હેઠળ ભારતમાં કોઈ વ્યક્તિ શબ્દો, લેખન, ચિહ્નો, દૃશ્ય માધ્યમ અથવા અન્ય કોઈ માધ્યમથી કાયદા દ્વારા સ્થાપિત સરકાર વિરુદ્ધ વિદ્રોહને ઉશ્કેરે તો તેની સામે આ કાયદો લાગુ થઈ શકે છે. આ સિવાય કોઈ વ્યક્તિ દેશ વિરોધી સંગઠન સાથે અજાણતામાં પણ સંબંધ રાખે અથવા કોઈ પ્રકારે સહયોગ કરે તો તે પણ દેશદ્રોહના દાયરામાં આવે છે. બ્રિટિશ યુગનો આ કાયદો ૧૮૭૦માં ઘડાયો હતો. દેશદ્રોહમાં દોષિત ઠરેલી વ્યક્તિ સરકારી નોકરી માટે અરજી કરી શકતી નથી અને તેનો પાસપોર્ટ પણ રદ થઈ જાય છે. આ કાયદા હેઠળ ત્રણ વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તેમાં દંડની પણ જોગવાઈ છે.

મોદી સરકારમાં દેશદ્રોહના કેસ વધ્યા

સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે દેશદ્રોહનો કાયદો સરકારને તાકત આપે છે. જોકે, અરજદારોએ એક રિપોર્ટને ટાંકીને દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૦માં દેશદ્રોહના ૧૦ કેસ હતા, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૭ થઈ ગયા હતા. વર્ષ ૨૦૨૦માં ૬૭ પત્રકારો સામે દેશદ્રોહના કેસ થયા હતા. એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૨૦માં જ દેશદ્રોહના ૭૦થી વધુ કેસ સામે આવ્યા હતા. દેશના વિવિધ ભાગોમાં ૨૦૧૯ દરમિયાન દેશદ્રોહના ૯૩ કેસ નોંધાયા હતા, જેમાંથી ૯૬ લોકોની ધરપકડ કરાઈ હતી. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ, ડૉ. કફિલ ખાનથી લઈને શફૂરા ઝરગર સહિત અનેક લોકોની દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હતી. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર નોંધાયેલો દેશદ્રોહનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.

સુપ્રીમની કેન્દ્રને વેધક ટકોર

  • તમારી સરકારે તો અંગ્રેજોના સમયના અનેક કાયદા દૂર કરી નાંખ્યા છે.
  • કોઈ જૂથવાદી જ બીજા જૂથનો અવાજ દબાવી દેવા માટે આવો કાયદો લાવી શકે.
  • કોઈ પક્ષ અન્યોનો અવાજ સાંભળવા ન ઈચ્છે ત્યારે આ કાયદાનો ઉપયોગ કરે છે.
  • આ તો એવું છે કે કોઈ સુથારને લાકડું કાપવા કહ્યું હોય અને તે આખું જંગલ કાપી નાંખે.
  • કોઈ પોલીસ કોઈને પણ ફસાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરી શકે છે.
Share: