યુપીમાં હવે કાયદાનુ રાજ, પીએમ મોદીએ યોગી આદિત્યાના કર્યા ભરપૂર વખાણ

યુપીમાં હવે કાયદાનુ રાજ, પીએમ મોદીએ યોગી આદિત્યાના કર્યા ભરપૂર વખાણ

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

પીએ મોદી આજે વારાણસીના પ્રવાસે છે.આજે સંખ્યાબંધ યોજનાઓનુ તેમણે લોકાર્પણ કર્યુ હતુ.આ દરમિયાન તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથના ભરપૂર વખાણ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે યુપીમાં હવે જંગલરાજ નથી પણ કાયદાનુ રાજ છે.સીએમ યોગી આ માટે આકરી મહેનત કરી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2017 પહેલા દિલ્હીથી યુપીમાં પૈસા મોકલાતા હતા પણ લખનૌમાં આ પૈસા અટકી જતા હતા.આજે યોગીજી આકરી મહેનત કરી રહ્યા છે.તેઓ પોતે અહીંયા વિકાસ કાર્યો પર નજર રાખી રહ્યા છે.તેઓ દરેક જિલ્લામાં જઈને નજર રાખી રહ્યા હોવાથી યુપીમાં બદલાવ થઈ રહ્યો છે.

પીએમ મોદીએ યોગી સરકારની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, આજે યુપીમાં સરકાર ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદથી નહીં પણ વિકાસવાદથી ચાલી રહી છે.આજે યુપીમાં લોકોને સરકારની યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.જેના કારણે યુપીમાં હવે ઉદ્યોગોનુ રોકાણ વધી રહ્યુ છે અને નોકરીની તકો પણ વધી રહી છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, યુપીમાં બેકાબૂ માફિયારાજ પર હવે કાયદાનો શિકંજો છે.યુપીમાં હવે કાયદાનુ રાજ ચાલે છે.ગુનેગારોને ખબર છે કે કાયદાથી બચી નહીં શકાય.યુપીમાં વસતી વધારે છતા અહીંની સરકારે કોરોનાની બીજી લહેરને સંભાળી છે.

તાજેતરમાં યુપીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ અંગે સવાલો ઉભા થયા હતા પણ પીએમ મોદીએ આજે તેમની ભરપૂર પ્રશંસા કરીને તમામ અટકળો પર રોક લગાવી દીધી હોય તેમ લાગે છે.

Share: