ઈરાકઃ કોવિડ-19 હોસ્પિટલમાં ભીષણ આગથી 39 લોકોના મોત

ઈરાકઃ કોવિડ-19 હોસ્પિટલમાં ભીષણ આગથી 39 લોકોના મોત


– હોસ્પિટલના કોવિડ 19 વોર્ડની અંદર એક ઓક્સિજન ટેન્ક ફાટવાના કારણે આ આગ લાગી હતી

નવી દિલ્હી, તા. 13 જુલાઈ, 2021, મંગળવાર

ઈરાકના નાસિરિયા ખાતે એક કોવિડ-19 હોસ્પિટલમાં ભારે મોટી દુર્ઘટના બની છે. હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના કારણે 39 લોકોના મોત થયા છે અને 20 લોકોને ઈજાઓ પહોંચી છે. 

જાણવા મળ્યા મુજબ નાસિરિયાની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટ થવાના કારણે આ દુખદ ઘટના બની હતી. વિસ્ફોટના કારણે ભીષણ આગ લાગતા 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્વાસ્થ્ય અધિકારીઓ અને પોલીસ દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક કરીને નાસિરિયામાં સ્વાસ્થ્ય અને નાગરિક સુરક્ષા પ્રબંધકોની ધરપકડ કરવાનો અને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્વાસ્થ્ય કર્મચારીઓએ સળગી રહેલી હોસ્પિટલમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા અને અનેક દર્દીઓ ધૂમાડાના કારણે ખાંસી રહ્યા હતા. નાસિરિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ અલ-હુસૈન કોરોના વાયરસ હોસ્પિટલમાં રાહત અને બચાવ અભિયાન ચાલુ હતું પરંતુ ભારે ધૂમાડાના કારણે કેટલાક વોર્ડમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ બની ગયો હતો. 

પ્રારંભિક પોલીસ રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલના કોવિડ 19 વોર્ડની અંદર એક ઓક્સિજન ટેન્ક ફાટવાના કારણે આ આગ લાગી હતી. હોસ્પિટલના ગાર્ડ અલી મુહસિને જણાવ્યું કે, તેણે કોવિડ વોર્ડની અંદર એક મોટો વિસ્ફોટ સાંભળ્યો હતો અને પછી આગ ખૂબ જ ઝડપથી ભડકી ઉઠી હતી. 

ઈરાકમાં કોરોના વાયરસના કારણે 17,592 લોકોના મોત થયા છે અને 14 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થયા છે. 

Share: