રાજનગરના રાજમાર્ગો પર રણછોડજી મહાલ્યા

રાજનગરના રાજમાર્ગો પર રણછોડજી મહાલ્યા


144મી રથયાત્રા : ભકતો વિના ભગવાનની નગરચર્યા, પ્રતિબંધ સાથે પરંપરા-પરિક્રમા સચવાયા

12 કલાક ચાલતી રથયાત્રા માત્ર 3.48 કલાકમાં સંપન્ન : પ્રદિપસિંહ જાડેજાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી

19 કિ.મી.ના રૂટ સવારે 7:03થી રથયાત્રાનો પ્રારંભ-સવારે 10:50ના સંપન્ન : ભક્તો વિના પ્રતિકાત્મક બની રહેલી રથયાત્રાનો માહોલ ફિક્કો રહ્યો 

અમદાવાદ : જેમની કૃપાદ્રષ્ટિ વિના પાંદડું પણ હલી શકતું નથી તેવા જગતના નાથ ખૂદ નગરચર્યાએ નીકળ્યા હોય અને તે અત્યંત નીકટ હોવા છતાં તેમનો સાક્ષાત્કાર થઇ શકે નહીં તો કેવો વસવસો થાય તે આજે અષાઢી બીજના  સેંકડો ભક્તોએ અનુભવ્યું છે.

પરંતુ કોરોના ફરી કોપ વરસાવે નહીં માટે નગરચર્યાએ નીકળેલા જગતના નાથ અને ભક્તો વચ્ચે ‘પરોક્ષ અંતર’ તેમજ ભક્તો વચ્ચે ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવવામાં આવે તે જ શ્રેષ્ઠ વિકલ્પ પણ હતો.

અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી ભક્તો-ભજનમંડળી-ગજરાજ-અખાડા વિના જ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાઇ હતી. રથયાત્રાનો 19 કિલોમીટરનો આ રૂટ પૂર્ણ થવામાં સામાન્ય રીતે 12 કલાકથી વધુનો સમય લાગતો હોય છે. જેના સ્થાને આ વખતે 3.48 કલાકમાં જ આ વખતે રથયાત્રા સંપન્ન થઇ હતી.

પરંપરાગતને સ્થાને પ્રતિકાત્મક બની ગયેલી આ વખતની રથયાત્રામાં જગન્નાથના દર્શન માટે ભક્તોના નયન તરસ્યા રહ્યા હતા જ્યારે ભગવાનને પણ માર્ગ વિના ભક્તો વિના સૂનું જ લાગ્યું હશે.  રથયાત્રા દરમિયાન અમદાવાદના નાગરિકોએ પણ શિસ્તનું ઉમદા દ્રષ્ટાંત પૂરૂં પાડયું હતું.  

ભક્તોનું ઘોડાપુર, આદિવાસી નૃત્ય, ખીચડી-મગ-જાંબુનો પ્રસાદ, અખાડિયનોના કરતબો, ભજનમંડળીઓ, પગ મૂકવાની પણ જગ્યા ન હોય છતાં બસ ભગવાનની એક ઝલક માટે તરસતા ભક્તના નયનો, જય જગન્નાથ-જય રણછોડ માખણચોરનો મંદિર પરિસર તેમજ રથયાત્રાના માર્ગ પર થતો નાદ.

અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથજીના મંદિરમાં અષાઢી બીજનો માહોલ જ કંઇક એવો હોય છે કે કોઇ વ્યક્તિ તેનો એકવાર પણ અનુભવ કરી લે તો જીવનભર તેને મમળાવતો જ રહે. પરંતુ રથયાત્રાની ઓળખ સમાન આ દ્રશ્યો પૈકી એકપણ આ વખતની રથયાત્રામાં જોવા મળ્યું નહોતું.

મંદિર પરિસર, રથયાત્રાના માર્ગ પર ભક્તોને સ્થાને માત્ર પોલીસ-સુરક્ષાકર્મીઓ હતા અને મંદિર-પરિસરમાં થતાં ‘જય જગન્નાથ’ નાદનું સ્થાન એક પ્રકારના સન્નાટાએ લઇ લીધું હતું.  પરોઢિયે ચારના ટકોરો પડતાં જ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ હતી, જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

સવારે 5:10 સુધીમાં જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામને રથમાં બિરાજવાનું શરૂ કરી દેવાયું હતું. સવારે 7 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત પાંચમા વર્ષે પહિંદ વિધિ કરવામાં આવી અને તેની સાથે જ રથયાત્રાનો પણ પ્રારંભ થયો. સામાન્ય રીતે રથયાત્રાનો પ્રારંભ થતાં જ સમગ્ર પરિસર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગૂંજી ઉઠતું હોય છે.

પરંતુ આજનો દિવસ અપવાદ બની રહ્યો હતો જ્યારે ટેલિવિઝનના માધ્યમથી રથયાત્રાનો લ્હાવો લઇ રહેલા ભક્તોના હૃદયમાં આ નાદ ગૂંજતો હતો.  સવારે 7:03ના શરૂ થયેલી આ રથયાત્રાને સામાન્ય રીતે મંદિરથી 1.20 કિલોમીટરના અંતરે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યાલય સુધી પહોંચવામાં દોઢ  કલાક થઇ જતો હોય છે. જેના સ્થાને આ વખતે 7:20ના તો ત્રણેય રથ ત્યાં પહોંચી ગયા હતા.

ત્રણેય રથ સવારે 8:30ના સરસપુરના રણછોડરાયજી મંદિરમાં પહોંચી ગયા હતા. ત્રણેય રથ ત્યાં 45 મિનિટથી 1 કલાક રોકાતા હોય છે. જેના સ્થાને મામેરા વિધિ સંપન્ન થતાં 10 મિનિટમાં જ ત્રણેય રથે ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રાનું  સામાન્ય રીતે રાત્રે 8:30ની આસપાસ સમાપાન થતું હોય છે. જેના સ્થાને આ વખતે 10:50ના રથયાત્રાનું સમાપન થયું હતું. 

રથયાત્રાના રૂટ પર બપોરે 2 સુધી કરફ્યૂ જાહેર કરાયો હતો. પરંતુ રથ પરત ફરતાં જ સવારે 11:30ના કરફ્યૂ ઉઠાવી લેવાયો હતો. ગત વર્ષે કોરોનાના વધારે કેસને પગલે મંદિર પરિસરમાં જ રથનું પરિભ્રમણ કરાવાયું હતું. આ વખતે રથયાત્રાનું આયોજન તો થયું પરંતુ ભક્તો અનરાધાર વરસાદ છતાં કોરાધાકોર રહ્યા હોય તેવું અનુભવ્યું.

રથ નિજમંદિરમાં પરત ફર્યા બાદ પ્રત્યેક ભક્ત  દર્શન કરતી વખતે અંત:કરણથી જગન્નાથને એવી જ અરજ કરી રહ્યો હતો કે, ‘હવે  માર્ચ 2020 અગાઉની જેમ જ બધું પૂર્વવત્ થઇ જાય અને આવતા વર્ષે અષાઢી બીજે સમગ્ર મંદિર પરિસર ભક્તોથી અને રતયાત્રાનો સમગ્ર માર્ગ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠે.’  ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંગત રસ લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રથયાત્રાને સફળ બનાવવામાં  પ્રશંસનીય ભાગ ભજવ્યો હતો.

Share: