લખનઉમાં પકડાયેલા આતંકીઓ આત્મઘાતી હુમલા કરવાનાં હતાં: ADG પ્રશાંત કુમાર

લખનઉમાં પકડાયેલા આતંકીઓ આત્મઘાતી હુમલા કરવાનાં હતાં: ADG પ્રશાંત કુમાર

લખનઉ, 11 જુલાઇ 2021 રવિવાર

ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ATS અને કમાન્ડોની સાથે પોલીસની તકેદારીથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. યુપીમાં બંને આત્મઘાતી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. પકડાયેલા બંને આતંકીઓ અંસાર ગઝવાતુલ હિંદના સભ્યો છે.

પૂછપરછ દરમિયાન ATS ને કેટલાક વધુ શંકાસ્પદ લોકોની માહિતી પણ મળી છે. તેમની ધરપકડ માટે દરોડા શરૂ કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. આતંકીઓની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા થયા છે. તપાસમાં પાકિસ્તાન કનેક્શન પણ બહાર આવ્યું છે.

ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે ATSને બાતમી મળી હતી કે કાકોરી વિસ્તારમાં ડુબાગા ચોકડી પાસેના મકાનમાં આતંકીઓ સૂઈ રહ્યા છે. આ પછી ATS અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ. સાથે કમાન્ડો પણ હતા. થોડા જ સમયમાં પોલીસે આખો વિસ્તાર ઘેરી લીધો. ATS એ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન ATSએ અંસાર ગજવાતુલ હિંદના બે આતંકીઓને પકડ્યા.

પકડાયેલા બંને આતંકીઓ મીનાઝ અહમદ પુત્ર સિરાજ અહમદ રહેવાસી રીંગ રોડ બગારીયા જેહટા બરાવન કલા પોલીસ સ્ટેશન કાકોરી અને મસીરૂદ્દીન ઉર્ફે મુશીર પુત્ર અમીરુદ્દીન રહેવાસી, સીતાપુર રોડ, પોલીસ સ્ટેશન મડિયાહું છે. પકડાયેલા આતંકવાદીઓના કબજામાંથી બે પ્રેશર કૂકર બોમ્બ અને અર્ધ નિર્મિત બોમ્બ અને દારૂગોળો મળી આવ્યો છે. આ ઉપરાંત ઘણા શસ્ત્રો પણ મળી આવ્યા છે.

15 ઓગસ્ટ પહેલા યુપીને ધૃજાવી દેવાનું કાવતરૂ નિષ્ફળ થઇ ગયું છે. ADG પ્રશાંત કુમારે જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને આતંકીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આતંકવાદની ઘટનાઓનો હેન્ડલર ઉમર હલમંડી છે, જે પાકિસ્તાનનાં પેશાવરમાં રહીને કાવતરું ઘડી રહ્યો છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા યુપીના ઘણા શહેરોમાં મોટા વિષ્ફોટો કરવાની તૈયારીમાં હતા. તે ફક્ત તક શોધી રહ્યા હતાં, પરંતુ તે પહેલા જ બંનેને ATS એ પકડી પાડ્યા.

ADG એ પત્રકારોને જણાવ્યું કે પૂછપરછ દરમિયાન 10 થી 15 જેટલા વધુ લોકોની માહિતી મળી છે, જેમની ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. પૂછપરછ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે તેના કેટલાક સાથીઓ પણ કાનપુરમાં છુપાયેલા છે. બંનેને હાલ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન ઘણા મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.

Share: