યોગી આદિત્યનાથનાં વસ્તી નિયંત્રણ અંગેનાં પગલાને શરદ પવારનું સમર્થન

યોગી આદિત્યનાથનાં વસ્તી નિયંત્રણ અંગેનાં પગલાને શરદ પવારનું સમર્થન

રવિવાર, 11 જુલાઇ 2021 રવિવાર

ઉત્તર પ્રદેશ દ્વારા સૂચિત વસ્તી નિયંત્રણ નીતિનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે રાષ્ટ્રીય સ્તરે વસ્તી નિયંત્રણ અંગે પણ જરૂરી પગલા ભરવાની વાત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ વસ્તી નિયંત્રણની હિમાયત કરતા જોવા મળ્યા છે. 

શરદ પવારે રવિવારે આ અંગે નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા, રહેવાની સારી સ્થિતિ અને પર્યાવરણીય સંતુલન માટે વસ્તી નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ વસ્તી દિવસ અંગે શરદ પવારના નિવેદનથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે અન્ય પક્ષો પણ વસ્તી નિયંત્રણ માટેના કાયદાને લાગુ કરવાના પક્ષમાં છે.

શરદ પવારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિશ્વ વસ્તી દિવસના દિને દેશના દરેક નાગરિકે શપથ લેવી જોઇએ કે તે વસ્તી નિયંત્રણમાં પોતાનો ફાળો આપશે. એક ઉત્તમ દેશ અને વધુ સારા જનજીવન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે લોકોને વધારે વસ્તીના ગેરફાયદાઓ વિશે દરેકને સચેત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે વધતી વસ્તી એ બધી સમસ્યાઓનું મૂળ છે. તેના કારણે સમાજમાં અસમાનતા ફેલાઇ રહી છે. વધુ સારા સમાજ નિર્માણ માટે વસ્તી નિયંત્રણ ખૂબ મહત્વનું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કહ્યું કે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દરેકે શપથ લેવી જોઈએ કે નિયંત્રણમાં તે તેનો ફાળો આપશે.

Share: