ISIS મોડ્યુલઃ RAW અને IB સાથે જમ્મુ કાશ્મીરમાં 10 જગ્યાઓએ NIAના દરોડા, અનેકની પુછપરછ

ISIS મોડ્યુલઃ RAW અને IB સાથે જમ્મુ કાશ્મીરમાં 10 જગ્યાઓએ NIAના દરોડા, અનેકની પુછપરછ


– અદનાન અહમદ નદવીની ધરપકડ કરવામાં આવી હતી જે હાકા બાજાર ખાતે રહેતો હતો

નવી દિલ્હી, તા. 11 જુલાઈ, 2021, રવિવાર

એનઆઈએ દ્વારા આઈએસઆઈએસ મોડ્યુલ અને ટેરર ફન્ડિંગ મામલે રો અને આઈબી સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ અનેક લોકોની પુછપરછ પણ કરી છે. આઈએસઆઈએસના ટેરર મેગેઝિનને લઈ આ દરોડા પાડવામાં આવ્યા છે. આ મેગેઝિનના અત્યાર સુધીમાં 17 સંસ્કરણ છપાઈ ચુક્યા છે.

મંથલી મેગેઝિનમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ અંગે કવર કરવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે આ મેગેઝિન અફઘાનિસ્તાનથી પ્રકાશિત થાય છે પરંતુ તપાસમાં તેનું પ્રકાશન આઈએસ સાથે સંબંધિત જમ્મુ કાશ્મીર/દિલ્હીની ટીમ કરે છે તેવું સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓએ હવે જમ્મુ કાશ્મીરના 10 સ્થળે દરોડા પાડ્યા છે. 

જાણવા મળ્યા મુજબ એનઆઈએએ સવારે દારૂલ ઉલૂમ, દલાલ મોહલ્લા, નવાબાજારમાં પોલીસ, એસઓજી, એસડીપીઓના અનેક અધિકારીઓ સાથે દરોડો પાડ્યો હતો. તપાસ અભિયાન દરમિયાન કેટલાક ઓફિસ રેકોર્ડ, એક લેપટોપ સીઝ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અદનાન અહમદ નદવીની ધરપકડ કરવામાં આવી હતી જે હાકા બાજાર ખાતે રહેતો હતો. આ દારૂલ ઉલૂમ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલા દારૂલ ઉલૂમ સાથે સંબદ્ધ ધરાવે છે. દરોડા બાદ તપાસ એજન્સીની ટીમ પાછી ફરી ગઈ હતી.  

Share: