પેટ્રોલની કિંમતમાં ભડકો, 17 રાજ્યોમાં પ્રતિ લિટર ભાવ 100 રૂપિયાથી વધુ

પેટ્રોલની કિંમતમાં ભડકો, 17 રાજ્યોમાં પ્રતિ લિટર ભાવ 100 રૂપિયાથી વધુ

નવી દિલ્હી, 10 જુલાઇ 2021 શનિવાર

એક દિવસની રાહત બાદ શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 30 થી 39 પૈસા અને ડીઝલના ભાવમાં 24 થી 32 પૈસાનો વધારો થયો છે.

આ જ પ્રકારે, મુંબઇમાં પેટ્રોલ 106.93 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ પહેલા બુધવાર અને ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે ભાવ સ્થિર રહ્યા હતા. શનિવારે ફરી એક વખત ભાવમાં વધારો થયો.

દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.91 રૂપિયા છે અને ડીઝલનો ભાવ આજે પ્રતિ લિટર 89.88 રૂપિયા થઈ રહ્યો છે. કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલ 101.01 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. મહારાષ્ટ્રના શહેરોમાં હાલમાં ઇંધણના દર સૌથી વધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ લીટર દીઠ 105 રૂપિયા થઈ ગયું છે. જો ઇંધણના ભાવ આ ગતિએ સતત વધતા રહે છે, તો ડીઝલ ટૂંક સમયમાં લિટર દીઠ 100 રૂપિયામાં મળશે.

ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમજ નાગાલેન્ડમાં પણ અમુક જગ્યાઓએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગઈ છે. ઓઈલ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારી છે. પેટ્રોલની કિંમત 35 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના 26 પૈસા પ્રતિ લિટર સુધી વધારો કરાયો છે. તેનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.

ડીઝલની વાત કરીએ તો, રાજસ્થાન, ઓડિશા અને મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં ડીઝલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ ઐતિહાસિક સપાટી 100.91 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.

અત્યાર સુધીમાં દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ વેચાઇ રહ્યું છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, સિક્કિમ, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

4 મેથી પેટ્રોલની કિંમતોમાં 38 વખત વધારો કરી દેવામાં આવ્યો છે. અને આ દરમિયાન પેટ્રોલ 10.51 રૂપિયા પ્રતિ લિટરથી મોંઘુ થયું છે. તો ડીઝલના ભાવ પણ 36 વખત વધીને 9.15 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યા છે. હાલમાં જ નવા બનેલા પેટ્રોલિયમ મંત્રીએ પણ ભાવ ઘટાડાના કોઈ સંકેત આપ્યા નથી.

Share: