×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ સુપ્રીમ કોર્ટે વળતર અને ડેથ સર્ટિફિકેટ અંગેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો, કેન્દ્ર પાસે 3 દિવસમાં લેખિત જવાબ માંગ્યો


- કેન્દ્ર પૈસાની તંગીનું કારણ આપીને કોઈને રાહત પહોંચાડવાનો ઈનકાર ન કરી શકે

નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર

સુપ્રીમ કોર્ટમાં સોમવારે પણ કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુનું વળતર આપવા મુદ્દે સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને જાણકારી આપી હતી કે, કોરોનાથી મરનારા તમામ લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય કારણ કે તે પૂર કે તોફાન જેવી કુદરતી હોનારત નથી.

સુપ્રીમ કોર્ટે હવે કોરોનાથી મૃત્યુને લઈ વળતર, કોવિડ ડેથ સર્ટિફિકેટ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. કોર્ટે કેન્દ્રને કોવિડ ડેથ સર્ટિફિકેટ્સની ગાઈડલાઈન્સ સરળ કરવા કહ્યું છે અને સાથે જ એવો સવાલ પણ કર્યો છે કે, શું પહેલા જે સર્ટિફિકેટ અપાઈ ગયા તેમાં કોઈ ફેરફાર થઈ શકે. કોર્ટે કેન્દ્રને 3 દિવસની અંદર લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. 

સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા જવાબોને લઈ સવાલ કર્યો હતો. વકીલે કહ્યું કે, કેન્દ્ર કહે છે કે પ્રાકૃતિક આપત્તિ એક વખત આવે છે પરંતુ કોરોના તો સતત ચાલી રહ્યો છે. કેન્દ્ર પૈસાની તંગીનું કારણ આપીને કોઈને રાહત પહોંચાડવાનો ઈનકાર ન કરી શકે. વકીલ તરફથી 2015નો આદેશ લાગુ કરીને વળતર આપવાની વાત કહેવામાં આવી હતી. 

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 2015નો આદેશ લાગુ ન થઈ શકે. દરેક આપત્તિ અલગ પ્રકારની હોય છે. જો કોઈ નાની આપત્તિમાં ચિન્હિત લોકો જીવ ગુમાવે તો તમે એને લાગુ કરી શકો છો. પરંતુ આ તો વૈશ્વિક મહામારી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અમે એ વાતથી સહમત છીએ કે કેટલીક ગાઈડલાઈન્સ જરૂર હોવી જોઈએ. 

અમારૂં ફોકસ મેનેજમેન્ટ પર છેઃ સોલિસિટર જનરલ

કેન્દ્રના સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અમારૂ ફોકસ તૈયારી અને મેનેજમેન્ટ પર રહ્યું છે, અમે જૂન 2021માં પહોંચી ગયા છીએ અને આનો કોઈ જ અંત નથી દેખાઈ રહ્યો. અમારી તૈયારી 5 વર્ષ માટે છે. આ દરમિયાન કોર્ટે ફાઈનાન્સ કમિશનના અધિકારનો ઉલ્લેખ કર્યો હતો જેના જવાબમાં એસજીએ કહ્યું કે, જો અન્ય કોઈની મદદની જરૂર હશે તો ફરી સંસદમાં જઈને પરમિશન લેવી પડશે.