×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ ત્રીજી લહેરની ચેતવણીને લઈને કેન્દ્ર એલર્ટ, રાજ્યોને પત્ર લખીને કહ્યું- જમીની હકીકત જોઈને જ છૂટ આપો


- ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે

નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર

કોરોનાની બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી છે જેથી તેને નિયંત્રણમાં લેવા મોટા ભાગના રાજ્યોએ લોકડાઉન લાગુ કરેલું. સદનસીબે લોકડાઉનની અસર જોવા મળી અને થોડા દિવસોમાં જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવા લાગી. જોકે લોકડાઉન લાગુ હોવાથી અનેક લોકોની રોજીરોટી સંકટમાં આવી ગઈ. આ કારણે ધીમે-ધીમે અમુક જરૂરી કોવિડ પ્રોટોકોલ સાથે અનલોક શરૂ કરવામાં આવ્યું. પરંતુ લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી તે સાથે જ ફરીથી રસ્તાઓ પર ભીડ થવા લાગી.

આ ભીડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે, એક્ટિવિટિઝને સાવધાનીપૂર્વક જ પ્રોત્સાહન આપવું જોઈએ. કેન્દ્ર તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની 5 સ્તરીય રણનીતિ સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ સંક્રમણ રોકવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનને મહત્વ આપવા કહેવામાં આવ્યું છે. 

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેવી ચેતવણી આપી ત્યાર બાદ કેન્દ્ર તરફથી આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 

રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, 'જો કોરોના સાથે સંકળાયેલી ગાઈડલાઈન ફોલો નહીં કરવામાં આવે તો 6થી 8 સપ્તાહમાં ત્રીજી લહેર આવી શકે છે. વેક્સિનેશન થઈ જાય ત્યાં સુધી આપણે આક્રમક સ્વરૂપે આપણી લડાઈ ચાલુ રાખીએ તે જરૂરી છે. જો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જરૂરી ગાઈડલાઈન ફોલો નહીં કરે તો મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોરોનાના કેસ વધે તો સર્વેલન્સ અને જે ક્ષેત્રમાં કેસ વધતા હોય તે શોધીને ત્યાં લોકડાઉન લાગુ કરવાની જરૂર પણ પડી શકે છે.'