×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાઝિયાબાદ કેસઃ તાવીજના કારણે પત્નીના ગર્ભમાં રહેલા બાળકનું મોત થવાથી વૃદ્ધને માર માર્યો હોવાની કબૂલાત


- પ્રવેશ ગુર્જર ગેરવસૂલીના એક કેસમાં પહેલેથી જ જેલમાં બંધ હોવાથી તેની પુછપરછ જેલમાં જ થઈ 

નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર

ગાઝિયાબાદના લોની ખાતે વૃદ્ધ અબ્દુલ સમદના વાયરલ વીડિયો મામલે ઉત્તર પ્રદેશ પોલીસના તપાસ અધિકારીએ શુક્રવારે ડાસના જેલમાં બંધ પ્રવેશ ગુર્જરનું નિવેદન નોંધ્યું હતું. પોતાના નિવેદનમાં પ્રવેશે સ્વીકાર્યું હતું કે, તેણે વૃદ્ધ અબ્દુલ સમદ સાથે મારપીટ કરી હતી. તેના કહેવા પ્રમાણે તે ખૂબ જ ગુસ્સામાં હતો કારણ કે તેને એવું લાગી રહ્યું હતું કે અબ્દુલ સમદે જે તાવીજ આપ્યું તેના કારણે જ તેની પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા 6 મહિનાના નવજાતનું મોત થયું હતું. પ્રવેશના મતે તેના કારણે જ તેના સાથે બધું ખરાબ બની રહ્યું હતું.

પુછપરછ દરમિયાન પ્રવેશે જણાવ્યું કે, કલ્લુએ વૃદ્ધ અબ્દુલ સમદની દાઢી કાપી હતી કારણ કે તે પણ ગુસ્સામાં હતો. જે સમયે આ ઘટના બની ત્યારે ત્યાં અનેક લોકો ઉપસ્થિત હતા. આ કેસમાં પોલીસે શુક્રવારે પહેલી વખત પ્રવેશ ગુર્જરનું નિવેદન નોંધ્યું છે. પ્રવેશ ગુર્જર ગેરવસૂલીના એક કેસમાં પહેલેથી જ જેલમાં બંધ હોવાથી તેની પુછપરછ જેલમાં જ થઈ હતી. નિવેદન નોંધ્યા બાદ પોલીસ હવે પ્રવેશને રિમાન્ડમાં લેવાની તૈયારી કરી રહી છે. 

આ કેસમાં પોલીસે એક દિવસ પહેલા જ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે કોર્ટે તે ચારેયને જામીન આપી દીધા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તે પૈકીના 8ને જામીન મળી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ગાઝિયાબાદનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક યુવકો એક વૃદ્ધ સાથે મારપીટ કરતા જોવા મળ્યા હતા. પોલીસે આ કેસ તાવીજ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો અને તેમાં સાંપ્રદાયિક એન્ગલ ન હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં યુપી પોલીસે ટ્વીટર સહિત અનેક વિરૂદ્ધ એફઆઈઆર નોંધેલી છે.