×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારે લીધો આ મહત્વપુ્ર્ણ નિર્ણય, જાણો વિગત

ગાંધીનગર,  21 મે 2021 શુક્રવાર

ગુજરાતની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વમાં યોડાયેલી કોર કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાને કોરોના રોગચાળાનાં સંક્રમણથી રાજ્યનાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાનાં હેતુંથી આ નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાનાં મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરનાં વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. 

રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યપ્રધાનનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની સંક્રામક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા લગભગ 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે જણાવ્યું હતું. 

શિક્ષણ પ્રધાનએ ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આપવામાં આવતી મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરંતનાં કે અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 18 થી 44 વયવર્ગનાં લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાં વિદ્યાર્થીઓને રસી લગાવવાનું હજું બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતનાં વિશાળ આરોગ્ય હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય  લેવામાં આવ્યો છે.