×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશોઃ મન કી બાતમાં PM મોદી


- કોરોના વાયરસ દેશના લોકોના ધૈર્ય અને દુખ સહન કરવાની પરીક્ષા લઈ રહ્યો છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2021, રવિવાર

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 'મન કી બાત' 2.0ના 23મા એપિસોડ અને કુલ 76મા સંસ્કરણમાં વડાપ્રધાને કોરોનાની બીજી લહેરે દેશને હચમચાવી દીધો હોવાનું જણાવ્યું હતું. 

વડાપ્રધાને કહ્યું કે, કોરોના વાયરસ દેશના લોકોના ધૈર્ય અને દુખ સહન કરવાની પરીક્ષા લઈ રહ્યો છે. અનેક લોકોએ કસમયે પોતાના નજીકના લોકોનો સાથ ગુમાવ્યો છે. આ સમય હિંમતથી લડાઈ લડવાનો છે. રાજ્યની સરકારો પણ પોતાની જવાબદારી સંભાળવામાં લાગી છે અને પૂરી તાકાત સાથે કોરોના સામે લડવામાં આવી રહ્યું છે. આ સમયે તમારૂં પણ ધ્યાન રાખો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. 

ડોક્ટર સાથે કરી વાત

આ દરમિયાન વડાપ્રધાને મુંબઈના ડોક્ટર શશાંક સાથે પણ વાત કરી હતી. ડો. શશાંકના કહેવા પ્રમાણે લોકો કોરોનાની સારવાર મોડી શરૂ કરે છે. ફોન પર આવે તે બધી વાતો પર વિશ્વાસ મુકી દે છે. ભારતમાં સારવારના બેસ્ટ પ્રોટોકોલ ઉપલબ્ધ છે અને લોકો સાજા થઈ રહ્યા છે. કોરોનાના મ્યુટેન્ટથી ડરવાની જરૂર નથી. આ કોરોના જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. વડાપ્રધાને શ્રીનગરના ડોક્ટર નાવિદ સાથે પણ વાત કરી હતી. ડોક્ટર નાવિદે કોરોના અંગે અનેક મહત્વની જાણકારીઓ શેર કરી હતી. 

ફક્ત નિષ્ણાંતોની વાત માનો

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને લોકોને ફક્ત નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ મુકવા વિનંતી કરી હતી. તેમણે લોકોને ડોક્ટર્સની વાત માનીને જરૂરી ઉપાય અપનાવવા કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, વેક્સિનના મહત્વથી સૌ કોઈ વાકેફ છે, વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો. યોગ્ય હોય તે બધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લગાવડાવે. 

મન કી બાતના 75મા સંસ્કરણ માટે લોકોએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી જેને લઈ વડાપ્રધાને શ્રોતાઓનો આભાર માન્યો હતો. આ એપિસોડમાં તેમણે તાળી-થાળી અંગે પણ ચર્ચા કરી હતી.