'91 ગાળો' વાળા PMના નિવેદન પર પ્રિયંકાનો વળતો જવાબ, હિમ્મત રાખો મોદીજી, મારા ભાઈથી શીખો

'91 ગાળો' વાળા PMના નિવેદન પર પ્રિયંકાનો વળતો જવાબ, હિમ્મત રાખો મોદીજી, મારા ભાઈથી શીખો

image : Twitter

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ વડાપ્રધાન મોદીની ગાળો સંબંધિત ટિપ્પણી પર કહ્યું કે જાહેર જીવનમાં આ પ્રકારની વાતોને સહન કરવાનું સાહસ બતાવવું જોઈએ. પ્રિયંકાએ વડાપ્રધાનને રાહુલ ગાંધીથી બોધપાઠ લેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે મારો ભાઈ રાહુલ ગાંધી દેશ માટે તો ગોળીઓ ખાવાય તૈયાર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના ઝેરીલા સાંપવાળી ટિપ્પણી અંગે કોંગ્રેસ સામે નિશાન તાકત મોદીએ શનિવારે કહ્યું હતું કે અત્યાર સુધી પાર્ટી અને તેના નેતાઓએ મને 91 વખત વિવિધ પ્રકારની ગાળો આપી છે. 

પીએમ પર કર્યો કટાક્ષ 

બાગલકોટ જિલ્લામાં એક સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કમ સે કમ તે એક વસ્તુમાં ફીટ તો બેસી રહ્યા છે પણ જો તમે તેમના દ્વારા મારા પરિવારને આપવામાં આવેલી ગાળોને જોશો અને યાદી બનાવવાની શરૂઆત કરશો તો આપણે એક પછી એક પુસ્તકો છપાતા જોઈશું. 

કહ્યું – મારા દાદી, પિતાએ દેશ માટે ગોળીઓ ખાધી 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લી બે-ત્રણ દિવસથી જોઈ રહી છું કે તે વિચિત્ર છે. હું અનેક વડાપ્રધાનને જોઈ ચૂકી છું. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે જેમણે દેશ માટે ગોળીઓ ખાઈ. જેમણે દેશ માટે બલિદાન આપી દીધું. મેં પી.વી.નરસિંહ રાવ અને મનમોહન સિંહને પણ દેશ માટે આકરી મહેનત કરતા જોયા છે. જોકે પહેલીવાર એવા કોઈ વડાપ્રધાન જોઈ રહી છું કે જે લોકો સામે કહે છે કે મને ગાળો આપી રહ્યા છે. પીએમ પાસે પ્રજાની સમસ્યાઓની યાદી નથી પણ ગાળોની યાદી છે. 

પ્રિયંકા ગાંધીએ મોદીજીને હિમ્મત રાખવા કહ્યું… 

પ્રિયંકાએ કહ્યું કે હિમ્મત રાખો મોદીજી. મારા ભાઈ રાહુલ ગાંધીથી શીખો. મારો ભાઈ કહે છે કે તે દેશ માટે ગાળો જ નહીં પણ ગોળીએ ખાવા તૈયાર છે. મારો ભાઈ કહે છે કે તે સત્ય માટે ઊભો રહેશે ભલે ગાળો આપો, ગોળી મારો કે ચપ્પું મારો.  

Share: