હુર્રિયત કોન્ફરન્સનાં બંને જૂથો પર પ્રતિબંધની તૈયારમાં કેન્દ્ર, જાણો શા માટે

હુર્રિયત કોન્ફરન્સનાં બંને જૂથો પર પ્રતિબંધની તૈયારમાં કેન્દ્ર, જાણો શા માટે

નવી દિલ્હી, 22 ઓગસ્ટ 2021 રવિવાર

હુર્રિયત કોન્ફરન્સના બંને જુથો સામે કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરી શકે છે. ગેરકાનુની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ બંને સામે પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, હુર્રિયત કોન્ફરન્સના બંને જુથો, એક અલગતાવાદી સંગઠન, કે જે બે દાયકાઓથી જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી ચળવળનું નેતૃત્વ કરી રહ્યું છે, તેને UAPA હેઠળ પ્રતિબંધિત લગાવવાનું અનુમાન છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં સંસ્થાઓ દ્વારા કાશ્મીરી વિદ્યાર્થીઓને એમબીબીએસની બેઠકો આપવાની તાજેતરની તપાસ સૂચવે છે કે કેટલાક સંગઠનો દ્વારા ઉમેદવારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને નાણાં આપવા માટે કરવામાં આવી રહ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે બંને હુર્રિયત જૂથો ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 3 (1) હેઠળ પ્રતિબંધિત થવાની શક્યતા છે. આ કલમ હેઠળ, જો કેન્દ્ર સરકારને એવું જણાય કે કોઈપણ યુનિયન ગેરકાયદેસર છે, તો તે સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આવા યુનિયનને ગેરકાયદેસર જાહેર કરી શકે છે.

બંને જૂથો પર પ્રતિબંધ મૂકતો આ પ્રસ્તાવ કેન્દ્રની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. હુર્રિયત કોન્ફરન્સ 1993 માં 26 જૂથો સાથે અસ્તિત્વમાં આવી હતી, જેમાં  કેટલાક પાકિસ્તાન અને જમાત-એ-ઇસ્લામી, જેકેએલએફ અને દુખ્તારન-એ-મિલ્લત જેવા પ્રતિબંધિત સંગઠનોના સમર્થકોનો સમાવેશ થાય છે. તેમાં પીપલ્સ કોન્ફરન્સ અને મીરવાઈઝ ઉમર ફારુકના નેતૃત્વવાળી અવામી એક્શન કમિટીનો પણ સમાવેશ થાય છે.

Share: