×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિંસાના વિરોધમાં ખેડૂતોના ઉપવાસ, આંદોલન સ્થળોએ બે દિવસ ઇન્ટરનેટ બંધ

નવી દિલ્હી, તા. ૩૦

૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીની પૂણ્યતિથિએ એક દિવસના ઉપવાસ કર્યા હતા બીજી તરફ હરિયાણા ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતો વિફર્યા છે, જાટ નેતા રાકેશ ટિકૈતના ભાવૂક વીડિયો બાદ તેમના સમર્થનમાં અનેક જાટ નેતાઓએ તેમને ટેકો જાહેર કર્યો છે. જેને પગલે હરિયાણાની ખટ્ટર સરકાર પણ ભીસમાં આવી ગઇ છે.

દરમિયાન કેન્દ્ર સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સિંઘુ, ટિકરી, ગાઝીપુર બોર્ડર અને તેની આસપાસ હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ઇન્ટરનેટને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. અગાઉ હરિયાણાના ૧૪ જેટલા જિલ્લામાં પણ મોબાઇલ ઇન્ટરનેટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. એક તરફ સરકાર ઇન્ટરનેટ બંધ કરાવી રહી છે બીજી તરફ ગાંઝીપુર બોર્ડરે અનેક ખેડૂતો ઉમટી પડયા છે.

હરિયાણામાં ભાજપના સમર્થક પક્ષ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દિગ્વિજયસિંહ ચૌટાલાએ કહ્યું હતું કે અમે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સાથે છીએ, તેઓ સાચા દેશભક્ત છે. જેજેપીના નેતા અને હરિયાણાના ઉપ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે જો ખેડૂતોની ટેકાના ભાવને કાયદેસર ખાતરી આપવાની માગણી ન સ્વિકારવામાં આવી તો તેઓ રાજીનામુ આપશે. જેને પગલે હાલ હરિયાણાની ખટ્ટર સરકાર ખેડૂતોનું આંદોલન ફરી શરૃ થઇ જતા ભીસમાં આવી ગઇ છે.

ગાઝીપુર બોર્ડરે પહેલાની જેમ ફરી લંગર શરૃ થઇ ગયા છે, ખેડૂતોએ તંબુ નાખી દીધા છે અને હવે અહીં માત્ર પંજાબ અને હરિયાણા જ નહીં ઉત્તર પ્રદેશથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. જેને પગલે ખેડૂત આંદોલનને ફરી ગતી મળી ગઇ છે. મોટી સંખ્યામાં કિસાન નેતા ચૌધરણી ચરણસિંહ, રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર ટિકૈતના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યુ છે કે આઇ લવ ખેતી, ગર્વ સે કહો કિસાન કે પુત્ર હો.

બીજી તરફ ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ભગવા રંગનો ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત દિલ્હીમાં કેટલાક સ્થળે હિંસાઓ થઇ હતી. જેની તપાસ કરી રહેલી ફોરેંસિક ટીમે લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી અને પુરાવા એકઠા કર્યા હતા, આ હિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૮ જેટલી એફઆઇઆર દાખલ થઇ ચુકી છે અને ૩૭ જેટલા ખેડૂત નેતાઓની સામે પણ કેસ કરાયા છે. દિલ્હી પોલીસની ક્રાઇમબ્રાંચની ટીમ તપાસ કરી રહી છે સાથે જ અનેક ટીમોનું ગઠન કરાયું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક ફોરેંસિક ટીમને લાલ કીલ્લા પર મોકલવામાં આવી હતી, જેને હિંસા સહિતની ઘટનાઓના પુરાવા એકઠા કર્યા છે. પોલીસ આ પુરાવા ચાર્જશીટમાં સામેલ કરશે.  દરમિયાન ગાઝીપુર, સિંઘુ, તિકરી સરહદે મોટી સંખ્યામા ખેડૂતોએ એક દિવસના ઉપવાસ કર્યા હતા.  આગામી બીજી ફેબ્રુઆરીએ દિલ્હીની સરહદોએ મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન સ્થળે પહોંચશે તેમ ભારતીય કિસાન યુનિયનના નેતા બલબિરસિંહ રાજેવાલે કહ્યું હતું.