હરિયાણાઃ BJP નેતાઓને બંધક બનાવવા મુદ્દે સાંસદે કહ્યું, 'આંખ ઉઠાવી તો ઉખાડી લેશું, હાથ ઉપાડ્યો તો કાપી નાખીશું'

હરિયાણાઃ BJP નેતાઓને બંધક બનાવવા મુદ્દે સાંસદે કહ્યું, 'આંખ ઉઠાવી તો ઉખાડી લેશું, હાથ ઉપાડ્યો તો કાપી નાખીશું'


– કોંગ્રેસ સત્તા માટે ષડયંત્ર રચી રહી છે પરંતુ એ ભૂલી જાઓ, કોંગ્રેસની સરકાર આગામી 25 વર્ષ સુધી નહીં આવેઃ શર્મા

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર

રોહતક સ્થિત કિલોઈ ગામના પ્રાચીન શિવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગ્રામીણો દ્વારા બંધક બનાવવામાં આવ્યા ત્યાર બાદ રાજકીય વિવાદ વકર્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે ભાજપના તમામ ટોચના નેતાઓ સાથે કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાનું પૂતળું સળગાવ્યું હતું. 

ભાજપના સાંસદ અરવિંદ શર્માએ આ ઘટના પાછળ ભૂપેન્દ્ર હુડ્ડાનું ષડયંત્ર ગણાવીને કહ્યું કે, જો કોઈએ ભાજપના નેતાઓ તરફ આંખ ઉઠાવીને પણ જોયું તો આંખો કાઢી નાખવામાં આવશે અને હાથ ઉપાડ્યો તો હાથ પણ કાપી લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે ખેડૂતોની આડશમાં ચાલી રહેલી ગુંડાગીરી કોઈ પણ કિંમતે નહીં સહન કરવામાં આવે. પ્રદર્શનમાં રોહતકના સાંસદ અરવિંદ શર્મા, પૂર્વ મંત્રી મનીષ ગ્રોવર સહિત સેંકડો કાર્યકરો છોટુ રામ ચોક ખાતે ઉપસ્થિત હતા. 

પ્રદર્શન બાદ રોહતકના સાંસદ ડો. અરવિંદ શર્માએ પોતાના સંબોધનમાં વિવાદિત નિવેદન સાથે ચેતવણી આપી કે, કાલની ઘટનામાં પૂર્વ મંત્રી મનીષ ગ્રોવરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જો કોઈએ પણ મનીષ ગ્રોવર તરફ આંખ ઉઠાવીને જોયું તો તેની આંખો કાઢી લેવામાં આવશે અને હાથ ઉપાડ્યો તો હાથ કાપી લેવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સત્તા માટે ષડયંત્ર રચી રહી છે પરંતુ એ ભૂલી જાઓ, કોંગ્રેસની સરકાર આગામી 25 વર્ષ સુધી નહીં આવે. 

Share: