સ્વીટી પટેલ મર્ડર કેસ : પતિ PI અજય દેસાઇ જ નીકળ્યો હત્યારો, જાણો કેસની વિગત

સ્વીટી પટેલ મર્ડર કેસ : પતિ PI અજય દેસાઇ જ નીકળ્યો હત્યારો, જાણો કેસની વિગત

વડોદરા, 24 જુલાઇ 2021 શનિવાર

વડોદરા SOG PI ની અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. અજય દેસાઇએ જ તેમની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અજય દેસાઇએ તેની પત્ની સ્વિટી પટેલનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યાર બાદ તેની લાશને સળગાવી દીધી હતી.

વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈનાં કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતાં.

સ્વીટી પટેલ 5 જૂને ગુમ થયા બાદ 49 દિવસે તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે FSLની મદદથી આ લોહી સ્વીટીનું જ છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. આરોપી પી.આઇ. એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો છે.

પી.આઇ. એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીને ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરું બિલ્ડિંગમાં લઈ ગયો હતો. 

આ જમીન આરોપી PI એ.એ.દેસાઈ, કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.

ઉલ્લેખનીય છે કે, SOG PI ની દેસાઈની પત્ની સ્વીટી પટેલ હત્યા કેસમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આ મામલાની તપાસ હવે જિલ્લા પોલીસ નહીં કરે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ‘આ કેસની તપાસ અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ અને ATS ને સોંપાશે. આ મામલામાં કોઈને છોડાશે નહીં. તપાસમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને નાર્કો ટેસ્ટ સહિત ફોરેન્સિક ટેસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવી છે.’

Share: