×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો ભારતનો ત્રણ જ દિવસમાં ટેસ્ટ વિજય


- ભારતે નાગપુર ટેસ્ટ ઈનિંગ અને 132 રનથી જીતી : જાડેજા પ્લેયર ઓફ ધ મેચ : અશ્વિનની પાંચ વિકેટ

- ભારતની પ્રથમ ઈનિંગની 223 રનની સરસાઈ સામે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 91માં ખખડયું : 4 ટેસ્ટની શ્રેણીમાં ભારત 1-0થી આગળ

નાગપુર : પ્લેયર ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડ દેખાવ તેમજ અશ્વિને બીજી ઈનિંગમાં ઝડપેલી પાંચ વિકેટને સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઈનિંગ અને ૧૩૨ રનથી વિજય મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ૧૭૭ના સ્કોર સામે ભારતે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિતના ૧૨૦ અને અક્ષર (૮૪)-જાડેજા (૭૦)ની અડધી સદીને સહારે ૪૦૦ રનનો જંગી સ્કોર ખડ્કયો હતો. ભારતે મેળવેલી ૨૨૩ રનની સરસાઈ બાદ ઓસ્ટ્રેલિયાનો બીજી ઈનિંગમાં ધબડકો થયો હતો અને તેઓ માત્ર ૯૧ માં જ ખખડી જતાં ભારતનો નાટકીય વિજય થયો હતો. ચાર ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતે આ સાથે ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. હવે શ્રેણીની બીજી ટેસ્ટ ૧૭મી ફેબુ્રઆરીને શુક્રવારથી નવી દિલ્હીમાં શરૂ થશે.

પાંચ મહિના બાદ પુનરાગમન કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં બે એમ કુલ ૭ વિકેટ ઝડપવાની સાથે ૭૦ રન પણ ફટકાર્યા હતા. જ્યારે અશ્વિને પ્રથમ ઈનિંગમાં ૩ અને બીજી ઈનિંગમાં ૩૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં શમીએ બે અને અક્ષર પટેેલને એક વિકેટ મળી હતી. અશ્વિન-જાડેજાએ નાગપુર ટેસ્ટમાં કુલ ૧૫ વિકેટ ઝડપી દબદબો પ્રસ્થાપિત કર્યો હતો.

ભારતે ત્રીજા દિવસે સવારે ૩૨૧/૭ના સ્કોરથી આગળ રમતાં ગઈકાલના સ્કોરમાં વધુ ૭૯ રન જોડતા બાકીની ત્રણ વિકેટ ગુમાવી હતી. જાડેજા ૭૦ અને અક્ષર ૮૪ રને આઉટ થતાં સદી ચૂક્યા હતા. મર્ફીએ ૭ વિકેટ ઝડપી હતી. 

ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૨૩ રનની સરસાઈ મેળવતા ઓસ્ટ્રેલિયા પર દબાણ સર્જાયું હતુ. ભારતે શરૂઆતથી જ અશ્વિનને બોલિંગ  સોંપી હતી, જેની સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો. ખ્વાજા (૫) અશ્વિનની પહેલી અને ઈનિંગની બીજી ઓવરમાં આઉટ થયો હતો. જાડેજાએ ફરી લાબુશૅનને આઉટ કર્યો હતો. અશ્વિન ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર પર ફરી વળ્યો હતો અને તેણે વોર્નર (૧૦), રેનશો (૨), હેન્ડસ્કોમ્બ (૬), કૅરી (૧૦)ને આઉટ કરતાં પાંચ વિકેટ પૂરી કરી હતી અને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારતીય સ્પિનરો સામે રમવાની વિશેષ તૈયારી સાથે આવેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સંદતર નિષ્ફળ રહ્યા હતા. તેમણે બીજી ઈનિંગમાં આખરી પાંચ વિકેટ માત્ર ૨૭ રનમાં ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા ૯૧ રનમાં ઓલઆઉટ થયું હતુ, જે તેમનો ભારતની ભૂમિ પરનો સોથી લો-સ્કોર હતો. 

ભારત 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે ઈનિંગથી જીત્યું

માર્જિન

સ્થળ

વર્ષ

ઈનિંગ ને ૨૧૯ રન

કોલકાતા

૧૯૯૮

ઈનિંગ ને ૧૩૫ રન

હૈદરાબાદ

૨૦૧૩

ઈનિંગ ને ૧૩૨ રન

નાગપુર

૨૦૨૩

ઈનિંગ ને ૧૦૦ રન

મુંબઈ

૧૯૭૯

ઈનિંગ ને બે રન

સીડની

૧૯૭૮