સેન્સેક્સમાં કડાકો, સોના-ચાંદીમાં ઊછાળો, રૂપિયામાં ગાબડું

સેન્સેક્સમાં કડાકો, સોના-ચાંદીમાં ઊછાળો,  રૂપિયામાં ગાબડું


– યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની બજારો પર અસર

– સેન્સેક્સ 2702 પોઈન્ટ તુટી 54530 અને નિફ્ટી 815 પોઈન્ટ તુટી 16248 : રોકાણકારોની સંપતિમાં રૂ. 13.44 લાખ કરોડનું ધોવાણ : વિદેશી રોકાણકારોની રૂ. 6448 કરોડની વેચવાલી

– અમદાવાદ સોનું રૂ. 3000 ઊછળી 54000, મુંબઈ ચાંદીમાં રૂ. 4000નો ઊછાળો

અમદાવાદ : રશિયાએ યુક્રેન પર એકતરફી આક્રમણ કરીને અનેક શહેરો પર હવાઈ હુમલા કરવાની સાથે કોઈપણ દેશને વચ્ચે નહીં આવવાની ધમકી આપ્યા બાદ નાટોએ તમામ દેશોને રક્ષણ માટે તૈયાર રહેવા તાકીદ કરતા વિશ્વ યુદ્ધ થવાના ભણકારા પાછળ આજે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડા નોંધાયા હતા. આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ૨૭૦૨ પોઈન્ટનો પાંચમો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં પણ ૮૧૫ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. બીજી તરફ અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું રૂ. ૩૦૦૦ ઊછળી ૫૪૦૦૦ની ટોચે પહોંચ્યું હતું. મુંબઈ ખાતે ચાંદીમાં રૂ. ૪૦૦૦નો ઊછાળો નોંધાયો હતો. હૂંડિયામણ બજારમાં આજે ડોલર સામે રૂપિયા ૧૧૦ પૈસા તુટયો હતો..

આજે વહેલી સવારે રશિયા દ્વારા યુક્રેન પર હવાઈ હુમલો કરાયાના અહેવાલોની ભારતીય શેરબજાર પર ગંભીર અસર થઈ હતી. આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા પડતા બજારમાં એકધારી પીછેહઠ થતા ઐતિહાસિક કડાકો બોલી જવા પામ્યો હતો. વેચવાલીના દબાણે સેન્સેક્સ ૨૭૦૨.૧૫ પોઈન્ટ તુટીને ૫૪૫૩૦ના તળિયે પટકાયો હતો. જ્યારે નિફ્ટી ૮૧૫ પોઈન્ટ તુટી ૧૬૨૪૮ની સપાટીએ નરમ રહ્યો  હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૩.૪૪ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૨૪૨.૨૪ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૬૪૪૮ કરોડની વેચવાલી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૭૬૬૭ કરોડની ખરીદી કરી હતી.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે વિશ્વબજારમાં ડોલરમાં ઝડપી સુધારો નોંધાયો હતો. આજે કામકાજના અંતે રૂપિયો ૧૧૦ પૈસા તુટીને ૭૫.૬૫ના મથાલે નરમ રહ્યો  હતો. ડોલરમાં મજબુતાઈની બીજી તરફ વૈશ્વિક બજારમાં સોનું પણ વધી ૧૯૬૧ ડોલર પહોંચ્યું હતું.

વૈશ્વિક સોનું ઊછળતા અત્રે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે સોનું રૂ. ૩૦૦૦ ઉછળી રૂ. ૫૪૦૦૦ મૂકાતું હતું. જ્યારે ચાંદી રૂા. ૨૦૦૦ વધીને ૬૭૦૦૦ મુકાતી હતી. મુંબઈ ખાતે આજે ચાંદી રૂ. ૪૦૦૦ ઊછળી ૬૮૧૪૯  મુકાતી  હતી જ્યારે સોનું રૂ. ૨૫૦૦ વધી ૫૨૫૪૦ મુકાતું હતું.

ડાઊજોન્સમાં 530 પોઈન્ટનું ગાબડું

રશિયા-યુક્રેન વચ્ચ યુદ્ધ  છેડાયાના અહેવાલોની અમેરિકી શેરબજાર પર પણ પ્રતિકૂળ અસર થઈ હતી.

અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ઈન્ડેક્સ ૫૩૦ પોઈન્ટ તુટી ૩૨૬૦૨ની સપાટીએ કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક ૧૫ પોઈન્ટ  વધી ૧૩૦૪૯ના મથાળે કાર્યરત હતો. આજે એશિયાઈ તેમજ યુરોપિયન બજારો તુટયા હતા.

ક્રિપ્ટો કરન્સીમાં ગાબડા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા વિશ્વબજારમાં આજે ક્રિપ્ટો કરન્સીમાં ગાબડા નોંધાયા હતા. બિટકોઈન ૧૦ ટકા જેટલો તુટી ૩૪૬૧૮ ડોલર આસપાસ રહ્યો હતો. આ સિવાય ઈથર, ડોગકોઈન, શિબા ઈન્ટુ, સોલાના, પોલિગોન, કાર્ડાનો સહિતના અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ પીછેહઠ થઈ હતી.

સેન્સેક્સમાં પ્રચંડ કડાકા

તારીખ

કડાકો
(પોઈન્ટમાં)

૨૩ માર્ચ, ૨૦૨૦

૪૦૩૫

૧૩ માર્ચ, ૨૦૨૦

૩૩૮૯

૧૨ માર્ચ, ૨૦૨૦

૩૨૦૪

૧૬ માર્ચ, ૨૦૨૦

૨૮૨૭

૨૪ ફેબ્રુ.
૨૦૨૨

૨૭૦૨

Share: