સરકાર સંસદ સભ્યોની સંખ્યા વધારીને 1000 કરવાના મૂડમાં, કોંગ્રેસ નેતાના દાવા બાદ નવી ચર્ચા છેડાઈ

સરકાર સંસદ સભ્યોની સંખ્યા વધારીને 1000 કરવાના મૂડમાં,  કોંગ્રેસ નેતાના દાવા બાદ નવી ચર્ચા છેડાઈ

નવી દિલ્હી,તા.26 જુલાઈ 2021,સોમવાર

લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની સંખ્યા વધારીને 1000 કરવા માટે સરકાર વિચારી રહી છે તેવો દાવો કોંગ્રેસના સિનિયર નેતા મનિષ તિવારીએ કર્યો છે. જેના પગલે એક નવી ચર્ચા છેડાય તેવી શક્યતા છે.

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યુ હતુ કે, મોદી સરકાર લોકસભામાં સંસદ સંખ્યોની સંખ્યા વધારવા માંગે છે અને તે 1000 પર પહોંચી શકે છે. તેના પર સાર્વજનિક ચર્ચા કરવાની જરૂર છે. કોંગ્રેસ સાંસદના દાવાથી એક નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે, મને ખબર નથી કે સાચુ શું છે અને ખોટુ શું છે પણ મિત્રોએ મને કહ્યુ છે કે, 2024 પહેલા લોકસભાની સંખ્યા વધારીને 1000 કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ જાણકારી મને ભાજપના સાંસદો તરફથી જ મળી છે. તેમની વાતનુ પાર્ટીના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ સમર્થન કર્યુ છે. કાર્તિએ કહ્યુ હતુ કે, આ નિર્ણય પહેલા જાહેર ચર્ચા કરવી જરૂરી છે. મોટો દેશ હોવાના નાતે વધારે સાંસદોની જરૂર છે પણ જો જનસંખ્યાના આધારે બેઠકો વધારવામાં આવી તો દક્ષિણ ભારતના રાજયોનુ પ્રતિનિધિત્વ ઘટી જશે.

આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ દેશમાં વસતીને ધ્યાનમાં રાખીને સંસદમાં બેઠકોની સંખ્યા વધારવાની જરૂર છે તેમ કહ્યુ હતુ.

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુના ભાષણોના સંકલનનુ વિમોચન કરતી વખતે પ્રણવ મુખરજીએ આ વાત કહી હતી અને કહ્યુ હતુ કે, વસતીની સામે લોકોને તે પ્રમાણે સંસદમાં પુરતુ પ્રતિનિધિત્વ મળવુ જોઈએ.

Share: