×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમ્મેદ શિખરના જૈન અગ્રણીઓ CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે બેઠક કરશે


ગાંધીનગર, 5 જાન્યુઆરી 2023 ગુરૂવાર

પાલિતાણા વિવાદને લઈને જૈન સમાજ રોષે ભરાયો છે. શેત્રુંજય પર્વત પર થયેલા વિવાદ મુદ્દે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ આ બાબતે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.હવે દિલ્હીથી સમ્મેદ શિખરના જૈન અગ્રણીઓ ગુજરાત આવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરશે. આ બેઠક બાદ એસઆઈટીના સભ્યોના નામની જાહેરાત કરાશે. કલેક્ટરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. 

ગૃહરાજ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ રચવાની જાણકારી આપી હતી
તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થા નું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. અને વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેમની પર કડક પગલાં લેવામાં આવ્યા છે. 5 દિવસ પહેલાએ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 

શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઊભી કરાઈ
જૈન સમાજની માંગને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે શેત્રુંજય પર્વત પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ ફરજ પર મુકાઈ ગયાં છે. તે ઉપરાંત પાંચ ટ્રાફિક પોલીસ, પાંચ મહિલા હોમગાર્ડ્સ અને આઠ ટીઆરબીના જવાનો કાર્યરત થઈ ગયાં છે. હવે પર્વતની સુરક્ષાને DYSPની દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ટીમ કાર્યરત રહેશે. તે ઉપરાંત દબાણ, માલસામાનની હેરાફેરી તેમજ ટ્રાફિકનું પણ નિયમન કરવામાં આવશે. 

આ માંગો છે જૈન સમાજની
જૈન સમાજ દ્વારા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડ મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત 12 ગાઉ ના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે માઈનિંગ થાય છે તે બંધ કરવામાં આવે, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. તળેટી રોડ પરના લારી ગલ્લા વગેરેના દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે. જંબુદ્વીપ નજીક આવેલ દારૂની ભઠ્ઠીઓ દૂર થાય, તેમજ ડોલી એસોશિયેશનનો વહીવટ બદલવા પણ માંગ કરવામાં આવી છે.