સમાધાનઃ પંજાબમાં કેપ્ટન સીએમ રહેશે અને સિધ્ધુને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે

સમાધાનઃ પંજાબમાં કેપ્ટન સીએમ રહેશે અને સિધ્ધુને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણને શાંત પાડવા માટેની ફોર્મ્યુલા પાર્ટીએ શોધી કાઢી છે.

કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યુ છે કે, કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના મુખ્યમંત્રી રહેશે અને નારાજ ચાલી રહેલા પૂર્વ ક્રિકેટર તેમજ પૂર્વ મંત્રી નવજોત સિધ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે.સાથે સાથે બીજા બે વર્કિંગ પ્રેસિડેન્ટની પણ નિમણૂંક કરવામાં આવશે.હાલમાં સુનિલ જાખડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ છે.આમ કેપ્ટન અને સિધ્ધુ વચ્ચેના જંગમાં જાખડની ખુરશી ખતરામાં આવી ગઈ છે.

2022માં રાજ્યમાં ચૂંટણી થવાની છે ત્યારે આવનારા દિવસોમાં પંજાબ કેબિનેટનુ પણ વિસ્તરણ કરવામાં આવે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને ડામવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે બુધવારે બેઠક યોજી હતી.જેમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના બીજા ટોચના નેતાઓ પણ સામેલ થયા હતા.

દરમિયાન હરિશ રાવતે ગઈકાલે પણ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં પંજાબ કોંગ્રેસ માટે સારા સમાચાર આવશે.આજે તેમણે સમાધાનની ફોર્મ્યુલા જાહેર કરી છે.

Share: