સંસદમાં ચોમાસા સત્રનો નવમો દિવસ, લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ થશે, ફરી હોબાળાની શક્યતા

સંસદમાં ચોમાસા સત્રનો નવમો દિવસ, લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ થશે, ફરી હોબાળાની શક્યતા

સંસદમાં ચોમાસું સત્રનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે આજે સત્રના નવમા દિવસે પણ ઘમાસાણ થવાની શક્યતા છે. મણિપુર મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સતત સરકારને બંને ગૃહમાં ઘેરી રહી છે ત્યારે આજે દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત આદેશ સાથે સંબંધિત બિલ કેન્દ્રિય ગૃહમંત્રી લોકસભામાં રજૂ કરશે. 

AAPએ આ બિલનો વિરોધ કર્યો

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે અને તેણે આ માટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સમર્થન પણ માંગ્યું છે. કોંગ્રેસ, JDU સહિત અનેક વિપક્ષી દિલે આ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે અગાઉ વટહુકમ બહાર પાડ્યો હતો, જેની સામે આમ આદમી પાર્ટી પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ મામલો પાંચ જજોની બંધારણીય બેંચ પાસે છે.

ગઈકાલે બંને ગૃહોમાં હોબાળો થયો હતો

આ પહેલા ગઈકાલે મણિપુરના મુદ્દે સંસદમાં જોરદાર હંગામો થયો હતો, જેના કારણે બપોર બાદ બંને ગૃહોની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. સરકારે વિપક્ષ પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકસભા અને રાજ્યસભાનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે મણિપુર હિંસા મુદ્દે કોઈ પણ સમય મર્યાદા વિના વ્યાપક ચર્ચા માટે સંસદમાં આવવું જોઈએ.

Share: