વિપક્ષ નેતાઓ ધારદાર સવાલો પુછો પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપોઃ PM

વિપક્ષ નેતાઓ ધારદાર સવાલો પુછો પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપોઃ PM


– કોરોના સંકટ, વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ સહિત અન્ય કેટલાય મુદ્દે સંસદમાં ચર્ચા માટે વિપક્ષે નોટિસ આપી

નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર

આજે સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના લોકો આકરાથી આકરા સવાલો પુછે પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપે જેથી સરકારનો અવાજ સામાન્ય લોકો સુધી પહોંચી શકે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખું છું કે દરેક લોકોને વેક્સિનનો એક ડોઝ લાગી ચુક્યો હશે. સદનના તમામ અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહે. વેક્સિન બાહુ (બાજુ) પર લાગે છે અને તમે બાહુબલિ બનો છો. અત્યાર સુધીમાં 40 કરોડ કરતા વધારે લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલિ બની ચુક્યા છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લીધું છે, અમે ઈચ્છીએ છીએ કે આ મહામારીને લઈ સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ. વિપક્ષ દ્વારા જે પણ સૂચનો આપવામાં આવશે તેનાથી કોરોના સામેની લડાઈને ગતિ મળશે. 

વધુમાં પોતે કોરોના સાથે સંકળાયેલી સમસ્યા અંગે સાંસદોને જાણકારી આપવા માંગે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, આ મુદ્દે ફ્લોર લીડર્સ સાથે વાતચીત થશે કારણ કે તેઓ સતત દરેક લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, દેશની જનતા જે જવાબ ઈચ્છે છે, સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. કોરોના સંકટ, વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ સહિત અન્ય કેટલાય મુદ્દે વિપક્ષે સંસદમાં ચર્ચા માટે નોટિસ આપી છે અને સદનમાં તે અંગે હંગામો થવાની શક્યતા છે.

Share: