વિપક્ષના ભારે વિરોધ વચ્ચે દિલ્હી સેવા બિલ લોકસભામાં રજૂ, ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત

વિપક્ષના ભારે વિરોધ વચ્ચે દિલ્હી સેવા બિલ લોકસભામાં રજૂ, ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત

લોકસભામાં  આજે મણીપુર મુદે ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરુ થતા કેન્દ્ર સરકારે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ વતી કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલ રજૂ થતાંની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

વિરોધ રાજકીય છે અને તેનો બંધારણીય આધાર નથી: અમિત શાહ  

બિલ અંગે અમિત શાહે કહ્યું કે, આ વિરોધ રાજકીય છે અને તેનો બંધારણીય આધાર નથી. તેના આધારે આ બિલ રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. અમિત શાહે વધુમાં કહ્યું કે, આ ગૃહને કાયદો બનાવવાનો અધિકાર છે. બીજું, સુપ્રીમ કોર્ટના જ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો કેન્દ્ર સરકારને લાગે તો તે કાયદો બનાવી શકે છે.

અધીર રંજન ચૌધરી દ્વારા બીલનો વિરોધ 

વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, કેન્દ્ર સરકાર બંધારણને નબળું પાડી રહી છે. અધીર રંજને દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, આ દિલ્હી સરકારના અધિકારોની શક્તિ ઘટાડવાનો પ્રયાસ છે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે.

Share: