વસ્તી નિયંત્રણમાં નિષ્ફળ રાજ્યોને સંસદમાં વધુ બેઠકો કેમ? :મદ્રાસ હાઇકોર્ટ

વસ્તી નિયંત્રણમાં નિષ્ફળ રાજ્યોને સંસદમાં વધુ બેઠકો કેમ? :મદ્રાસ હાઇકોર્ટ

ચેન્નાઇ, 22 ઓગસ્ટ 2021 રવિવાર

જે રાજ્યો વસ્તીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા છે તેમને સંસદમાં વધુ પ્રતિનિધિત્વ શા માટે છે? મદ્રાસ હાઈકોર્ટે તાજેતરના આદેશમાં કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછ્યો છે. કોર્ટે જોયું કે તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ સફળતાપૂર્વક વસ્તીને નિયંત્રિત કરી. આ હોવા છતાં, આ રાજ્યોમાં સાંસદોની સંખ્યા ઘટાડી દેવામાં આવી. બીજી બાજુ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યો વસ્તી નિયંત્રણમાં નિષ્ફળ ગયા છે, તેમ છતાં અહીં સાંસદોની સંખ્યા વધારે છે.

આ રાજ્યોનો શું દોષ છે

ન્યાયમૂર્તિ એન કિરૂબાકારણ અને બી પુંગાલેંદીની બેન્ચે 17 ઓગસ્ટના રોજ આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુને છેલ્લી 14 ચૂંટણી માટે વળતર મળવું જોઈએ. કોર્ટે આ રકમ લગભગ 5600 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે 1962 સુધી તમિલનાડુમાં 41 લોકસભા સાંસદો હતા. પરંતુ વસ્તીમાં ઘટાડા બાદ અહીં સંસદીય બેઠકોની સંખ્યા ઘટીને 39 થઈ ગઈ. કોર્ટે કહ્યું કે રાજ્યનો કોઈ દોષ ન હોવા છતાં અહીં સંસદીય પ્રતિનિધિઓની સંખ્યા ઘટી છે. આ સ્થિતિમાં ઓછામાં ઓછા રાજ્યસભાના પ્રતિનિધિઓની સંખ્યા વધારવી જોઈતી હતી, જેથી વસ્તી નિયંત્રણ માટેનાં તમિલનાડુના સફળ પ્રયાસોને માન્યતા મળી હોત.

પ્રતિનિધિત્વ નબળું પડી રહ્યું છે

કોર્ટે કહ્યું કે સંસદમાં રાજ્યોનાં પ્રતિનિધિત્વનો નિર્ણય વસ્તી નિયંત્રણના આધારે ન લેવો જોઈએ. જે રાજ્યો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવામાં નિષ્ફળ ગયા તેમને વધુ પ્રતિનિધિત્વની ભેટ મળી. જ્યારે તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા દક્ષિણી રાજ્યોએ સફળતાપૂર્વક વસ્તીને નિયંત્રિત કરવા છતાં બે બેઠકો ગુમાવી. તેનાથી સરકારમાં આ રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ નબળું પડી રહ્યું છે.

Share: