વરસાદનો કહેર: ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 14 લોકોના મોત

વરસાદનો કહેર: ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 14 લોકોના મોત


– રાજકોટમાં ગઈ કાલે રાત્રેથી સવાર સુધીમાં 6.5 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો 

નવી દિલ્હી, તા. 12 જુલાઈ 2022, મંગળવાર

ગુજરાત અને મધ્યપ્રદેશમાં વરસાદ સબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે. સોમવારે પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ગઢચિરોલી અને નાસિક જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદીઓના જળસ્તર વધ્યા બાદ ત્રણ વ્યક્તિઓ ગુમ થઈ ગયા હતા જ્યારે ગોદાવરી નદીના કિનારે આવેલા અનેક મંદિરો જળમગ્ન થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, ગઢચિરોલી જિલ્લામાં છેલ્લા 3 દિવસોમાં 3 લોકો નાળામાં તણાઈ ગયા હતા અને બાદમાં તેઓના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, નાળામાં તણાઈ ગયા બાદ વધુ 3 લોકો ગુમ છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સોમવારે હળવો વરસાદ પડ્યો હતો. એક સપ્તાહથી વધુ સમય બાદ સોમવારે બપોરે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. 

ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રાજસ્થાનમાં મોટાભાગના સ્થળો પર મધ્યમ વરસાદ પડ્યો હતો જ્યારે સોમવારે સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે 9,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને 468 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.


રાજકોટમાં ભારે વરસાદ

રાજકોટમાં ગઈ કાલે રાતથી સવાર સુધીમાં 6.5 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે શાળા અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ આગામી દિવસોમાં યલો ઝોનમાં છે. થોડા જ કલાકોમાં ભારે વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી હાહાકાર

દક્ષિણ ગુજરાતમાં હજુ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઓરેન્જ એલર્ટ અને પછીના દિવસ માટે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 


સુરત જિલ્લાનું ઉમરપાડા થયું જળબંબાકાર 

ઉમરપાડા તાલુકામાં સોમવારે પડેલા ભારે વરસાદથી સાવચેતીના ભાગરૂપે સ્થાનિક 85 ઘરોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે માંડવી તાલુકામાં કાકરાપાર વિયરમાંથી 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હિરપુરા-કોસાડી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. 

નવસારી શહેરનું જનજીવન ખોરવાયું

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવનખોરવાયું છે. જિલ્લાની પૂર્ણા નદીએ મંગળવારે સવારે 28 ફૂટની સપાટી વટાવી દીધી હતી. નદીની ભયજનક સપાટી 29 ફૂટ છે. નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેના પગલે એનડીઆરએફ તરફથી હાલ નીચાણવાળા વિસ્તારોમાં 2000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  હાલ શહેરના હિદાયત નગર, ગધેવાન, રિંગ રોડ, રંગુન નગર, કશિવાડી, મીઠીલાનગરી, શાંતદેવી, બંદરરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે અને 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 


વલસાડના કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા

ધરમપુર તાલુકાના બામટી અને વિરવલ ગામેથી પસાર થતી માન અને તાન નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઘોડાપુર આવ્યા હતા.ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો થવાને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અને નદી કિનારાના વિસ્તારો વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંડર રોડ ઉપર પાણી ફરી વળવાને કારણે હનુમાન ભાંગડા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. 

Share: