વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Image : Pixabay

વડોદરા, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

રાજ્યમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. વડોદરા શહેરમાં એક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મૃતકમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

એક જ પરિવારના પાંચ લોકોના મોતથી અરેરાટી

રાજ્યમાં ગંભીર અકસ્માતનો સિલસિલો ચાલુ છે અને એક પછી એક અકસ્માતના બનાવ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા.

Share: