×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકસભા-વિધાનસભા ચૂંટણી પહેલા યોજાશે પેટાચૂંટણી, આ 6 રાજ્યોની 7 બેઠકો પર જામશે જંગ, થશે NDA અને I.N.D.I.Aનો ફેંસલો

નવી દિલ્હી, તા.03 સપ્ટેમ્બર-2023, રવિવાર

દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે... જોકે લોકસભા પહેલા વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે અને તે પહેલા 6 રાજ્યોમાં 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે... ત્યારે લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં NDAનો દબદબો જળવાશે કે I.N.D.I.Aનો દમ જોવા મળશે, તે આ પેટાચૂંટણીથી જ ખબર પડી જશે... ઈન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને પડકાર ફેંકવાની રણનીતિ બનાવી રહ્યો છે... તો ભાજપના આગેવાની હેઠળની NDA પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે... ત્યારે આ પેટાચૂંટણીથી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનનો આમનોસામનાની શરૂઆત થઈ જશે અને આ 7 વિધાનસભા બેઠકોના પરિણામ પરથી એનડીએ-ઈન્ડિયાની આગામી ચૂંટણીની સ્થિતિ કેવી રહેશે તેનો પણ અંદાજ સામે આવી જશે.

આ 6 રાજ્યોની 7 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, જોકે તે પહેલા 7 વિધાનસભા સીટો માટે 5મી સપ્ટેમ્બર મંગલવારના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1-1 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે, જ્યારે ત્રિપુરામાં 2 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર 5મી સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે 8 સપ્ટેમ્બરે પરિણામો સામે આવી જશે.

5મી સપ્ટેમ્બરે યોજાશે મતદાન

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે વિધાનસભાની 7 બેઠકો પર પેટાચૂંટણીની 8મી ઓગસ્ટે જાહેરાત કરી હતી. જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે, તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 5મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. 

આ ખાલી પડેલી બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

ઝારખંડની ડુમરી વિધાનસભા બેઠક જગરનાથ મહતોના નિધન બાદ ખાલી પડી હતી. જ્યારે કેરળની પુથુપલ્લી વિધાનસભા બેઠક ઓમાન ચાંડી, ત્રિપુરાની બોક્સાનગર બેઠક સમસુલ હક, પશ્ચિમ બંગાળની ધુપગુરી (એસસી) વિધાનસભા બેઠક વિષ્ણુ પાંડે અને ઉત્તરાખંડની બાગેશ્લર (એસસી) બેઠક ચંદન રામ દાસના નિધન બાદ ખાલી પડી હતી. ત્રિપુરાની અન્ય એક ધાનપુરા વિધાનસભા બેઠક પ્રતિમા ભૈમિકના રાજીનામાના કારણે ખાલી પડી હતી. આ જ રીતે ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક દારા સિંહ ચૌહાણે રાજીનામું આપતા ખાલી પડી હતી.

ચૂંટણી પ્રક્રિયાની મહત્વની તારીખો

  • નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 10 ઓગસ્ટ હતી
  • ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ હતી
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ હતી
  • ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ હતી
  • હવે 5 સપ્ટેમ્બરે પેટાચૂંટણી મતદાન યોજાશે
  • તમામ 7 બેઠકોનું 8 સપ્ટેમ્બરના રોજ પરિણામ આવી જશે.
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો તારીખ 10 સપ્ટેમ્બર નિર્ધારીત કરવામાં આવી છે.