લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 8 લોકો ઈજાગ્રસ્ત

લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત,  8 લોકો ઈજાગ્રસ્ત
Image : Pixabay.com

અમદાવાદ, 9 જાન્યુઆરી 2022, સોમવાર

સુરેન્દ્રનગરના લીંબડી અને અમદાવાદ હાઇવે પર એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલા એક ટ્રક પાછળ બસ ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાનગી લક્ઝરી બસમાં સવાર અંદાજે 8થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ખાનગી બસ જુનાગઢથી અમદાવાદ જતી હતી

આ અકસ્માતની મળતી માહિતી મુજબ એક ખાનગી બસ ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં જૂનાગઢથી અમદાવાદ તરફ ખાનગી લક્ઝરી બસ જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ સાથે જ અકસ્માત કયા કારણે થયો તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share: