લંડનમાં ખાલિસ્તાનીઓને મળ્યો જડબાતોડ જવાબ, જુઓ ભારતીય હાઈકમિશને શું કર્યું

લંડનમાં ખાલિસ્તાનીઓને મળ્યો જડબાતોડ જવાબ, જુઓ ભારતીય હાઈકમિશને શું કર્યું

image : twitter

બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. જોકે હવે તેમને જડબાતોડ જવાબ ભારતીય હાઈ કમિશન તરફથી જ આપવામાં આવ્યો છે.  ભારતીય હાઈ કમિશનની ઈમારત પર ફરી તિરંગો તો લહેરાવી જ દેવાયો અને સાથે જ એક વિશાળ તિરંગો પણ લગાવાયો હતો. હવે આ તસવીર પણ વાઈરલ થવા લાગી છે. 

ભાજપના પ્રવક્તાએ કરી ટ્વિટ

આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેરગીલે એક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેમણે કેપ્શન પણ લખી હતી કે ‘ઝંડા ઊંચા રહે હમારા… ‘ બ્રિટિશ સરકાર દ્વારા દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અપીલ છે. 

ખાલિસ્તાન સમર્થકોએ ઝંડો ઉતારી દીધો હતો 

ઉલ્લેખનીય છે કે તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી. 

બ્રિટનના રાજદ્વારીને તેડું 

વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો. તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. 

ભારતીય હાઈ કમિશને કરી આકરી ટીકા

આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈકમિશન એલેક્સ એલિસે ટ્વિટ કરીને ભાગલાવાદીઓની આ હરકતની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં લોકો વિરુદ્ધ પરિસરમાં કરાયેલા શરમજનક કૃત્યની આકરી ટીકા કરું છું. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. 

Share: