રિલાયન્સને સીધો પડકાર આપવાની તૈયારી! હવે આ કારોબારમાં ઝંપલાવ્યું અદાણી જૂથે

રિલાયન્સને સીધો પડકાર આપવાની તૈયારી! હવે આ કારોબારમાં ઝંપલાવ્યું અદાણી જૂથે


– અદાણી ગ્રીન એનર્જીએ 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતા 4 વર્ષ પહેલા જ હાંસલ કરી લીધું

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

અદાણી જૂથ હવે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સીધો પડકાર આપવા તૈયારી કરી રહ્યું છે. અદાણી જૂથ હવે પેટ્રોકેમિકલ કારોબારમાં ઉતરી રહ્યું છે. આ માટે અદાણી પેટ્રોકેમિકલ્સની સ્થાપના કરવામાં આવી છે. અદાણી પેટ્રોકેમિકલ્સ દ્વારા રિફાઈનરી, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, સ્પેશિયાલિટી કેમિકલ યુનિટ્સ, હાઈડ્રોજન અને તેના સાથે સંકળાયેલા અન્ય કેટલાય રસાયણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

ગૌતમ અદાણીએ ગત વર્ષે કહ્યું હતું કે, અદાણી ગ્રીન એનર્જીએ 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતા 4 વર્ષ પહેલા જ હાંસલ કરી લીધું છે. અદાણી ગ્રીને આ માટે 2020-21નું લક્ષ્ય રાખ્યું હતું. 

બનાવી કંપની

ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથ પોર્ટ, એરપોર્ટ, વીજળી, ગેસ વિતરણ જેવા અનેક પ્રકારના કારોબારમાં છે. હવે તેઓ પેટ્રોકેમિકલ કારોબારમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસે જાહેરાત કરી હતી કે, તેણે 30 જુલાઈના રોજ એક પૂર્ણ સ્વામિત્વ ધરાવતી કંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીએલ)ની સ્થાપના કરી છે. આ કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ગુજરાતમાં રજિસ્ટર્ડ કરવામાં આવી છે. 

રિલાયન્સનો એકાધિકાર

ઉલ્લેખનીય છે કે, દેશમાં પેટ્રોકેમિકલ કારોબારમાં હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)નું પ્રભુત્વ છે. જૂનમાં યોજાતી રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી હતી કે, કંપની આગામી 3 વર્ષમાં આ કારોબારમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ ગુજરાતના જામનગર ખાતે 5,000 એકરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કર્યું છે. 

Share: