રાહુલ ગાંધીનો વાર- પેગાસસ વડે જાસૂસી એન્ટી નેશનલ, ફોનમાં PMએ ફેંક્યા હથિયાર

રાહુલ ગાંધીનો વાર- પેગાસસ વડે જાસૂસી એન્ટી નેશનલ, ફોનમાં PMએ ફેંક્યા હથિયાર


– જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરૂદ્ધ થવો જોઈએ તેનો ઉપયોગ અમારા વિરૂદ્ધ શા માટે થઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા સંબંધિત અનેક મુદ્દે સંસદના બંને સદનોમાં હંગામો ચાલી રહ્યો છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં આશરે એક ડઝન પાર્ટીઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મીડિયાને સંબોધિત કર્યુ હતું. 

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે સંસદમાં વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, અમારો ફક્ત એ જ સવાલ છે કે, શું દેશની સરકારે પેગાસસને ખરીદ્યું કે નહીં. શું સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો કે નહીં. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશમાં મારા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો વિરૂદ્ધ પેગાસસના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. સરકારે આવું શા માટે કર્યું તેનો જવાબ આપે. અમે સંસદને ચાલતી અટકાવી નથી રહ્યા, પરંતુ અમારો અવાજ બુલંદ કરવા ઈચ્છી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરૂદ્ધ થવો જોઈએ તેનો ઉપયોગ અમારા વિરૂદ્ધ શા માટે થઈ રહ્યો છે. સરકાર જવાબ આપે કે પેગાસસ શા માટે ખરીદવામાં આવ્યુ હતું. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ભારત સરકારે ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસ દ્વારા અનેક લોકોના ફોન હેક કર્યા છે. તેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અનેક નેતા, કેટલાક કેન્દ્રીય મંત્રી, પત્રકાર અને અન્ય લોકોના નામ સામેલ હતા. 

Share: