રાહુલ ગાંધીના આરોપો પર UPના મંત્રીનું નિવેદનઃ કોંગ્રેસ રાજમાં શીખો પર નરસંહાર થયો

રાહુલ ગાંધીના આરોપો પર UPના મંત્રીનું નિવેદનઃ કોંગ્રેસ રાજમાં શીખો પર નરસંહાર થયો


– મોદી સરકાર શીખો માટે સીએએ બિલ લાવે છે પરંતુ ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરે છેઃ સિદ્ધાર્થ સિંહ

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર, 2021, બુધવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને યુપી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને લખીમપુર જવા માટે નીકળ્યા હતા. તેઓ ફ્લાઈટ દ્વારા લખનૌ જશે. જોકે પ્રશાસને તેમને ત્યાં જ અટકાવવાની વાત કરી છે. લખીમપુર ખેરી ખાતે 4 ખેડૂતો સહિત 8 લોકોના મૃત્યુ બાદ સર્જાયેલો વિવાદ હજુ શાંત નથી પડ્યો. 

રાહુલ ગાંધી લખનૌથી દિલ્હી જવા માટે રવાના થયા હતા અને તેમનો કાફલો રોડ માર્ગે નીકળ્યો છે. જોકે રાહુલ ગાંધીને લખીમપુર જવા માટે મંજૂરી નથી આપવામાં આવેલી અને તેમને લખનૌમાં રોકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી રહેતી હતી પરંતુ હવે અહીં તાનાશાહી છે. રાજનેતા યુપી નથી જઈ શકતા. પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ મોટો મુદ્દો ખેડૂતોનો છે. પોલીસના ખરાબ વર્તન અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમને મારી નાખો, દાટી દો, અમારા સાથે ખરાબ વર્તન કરો તેનાથી કોઈ ફરક નથી પડતો. અમારી ટ્રેઈનિંગ જ એવી છે. મુદ્દો ખેડૂતોનો છે, તેની વાત કરતા રહીશું. 

યુપીના મંત્રી સિદ્ધાર્થ સિંહે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે, ‘યુવરાજને જોશ આવ્યો કે, બહેન તો છે જ, હું ક્યાં છું માટે હું પણ પર્યટન માટે નીકળું. તેઓ ડેલિગેશન લઈને નીકળ્યા. મંજૂરી ન મળી એટલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘણી વાતો કરી. યુવરાજ એ સમયે ખૂબ નાના રહ્યા હશે, ભૂલી જતા હશે. આ આઝાદ દેશમાં લોકો પર નરસંહાર થયો છે તો તે ઈમરજન્સી દરમિયાન થયો છે. ત્યાર પછી ઈંદિરા ગાંધીની હત્યા બાદ શીખ સમુદાયનો નરસંહાર કરવામાં આવ્યો હતો. તે સમયે ભાજપ એ શીખ સમુદાયની સાથે ઉભું હતું. મોદી સરકાર શીખો માટે સીએએ બિલ લાવે છે પરંતુ ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરે છે. યુવરાજે એ ન ભૂલવું જોઈએ કે, કોંગ્રેસના શાસન કાળ દરમિયાન જ શીખો પર નરસંહાર થયો હતો.’

Share: