રાજ કુંદ્રાની ધરપકડ પર શિલ્પાએ કહ્યું- હું ચૂપ રહીશ, બસ મારા બાળકોની પ્રાઈવસીનું ધ્યાન રાખો…

રાજ કુંદ્રાની ધરપકડ પર શિલ્પાએ કહ્યું- હું ચૂપ રહીશ, બસ મારા બાળકોની પ્રાઈવસીનું ધ્યાન રાખો…


– અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી, મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દોઃ શિલ્પા

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. તેવામાં શિલ્પા શેટ્ટી પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને તેના વિરૂદ્ધ અનેક પ્રકારની અફવા પણ ઉડી રહી છે. ત્યારે શિલ્પાએ આ તમામ બાબતો ઉપરાંત પોતાના ટ્રોલિંગને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમાં તેણે બધા જ લોકોને મેસેજ આપ્યો છે કે, તે હાલ ચૂપ છે અને ભવિષ્યમાં પણ ચૂપ રહેશે અને સમય સાથે સત્ય પોતાની જાતે જ બધા સામે આવી જશે.

શિલ્પાનું નિવેદન

શિલ્પાએ લાંબી નોટમાં લખ્યું હતું કે, ‘હા, પાછલા કેટલાક દિવસો બધી જ રીતે મુશ્કેલીભર્યા રહ્યા. અમારા પર અનેક અફવાઓ અને આરોપ લાગી રહ્યા છે. મીડિયા અને મારા શુભચિંતકોએ મારા વિશે ઘણું કહ્યું. મને જ નહીં, મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. મારૂં સ્ટેન્ડ એ છે કે, મેં હજુ સુધી કશું જ નથી કહ્યું અને આ કેસમાં હું આગળ પણ ચૂપ જ રહીશ. તો મારા નામે ખોટી વાતો ન બનાવશો.’

આગળ કહ્યું કે, ‘એક સેલિબ્રિટી તરીકે મારી ફિલોસોફી છે કે, કદી ફરિયાદ ન કરશો અને કદી સ્પષ્ટતા ન આપશો. હું બસ એટલું કહીશ કે હાલ તપાસ ચાલી રહી છે. મને મુંબઈ પોલીસ અને ભારતની ન્યાયાલય પર વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાયદાકીય મદદ લઈ રહ્યા છીએ. પરંતુ ત્યાં સુધી હું તમને નિવેદન કરૂ છું, ખાસ કરીને એક માતા તરીકે, કે અમારા બાળકો માટે થઈને પણ અમારા પરિવારની પ્રાઈવસીનું માન જાળવો. અધૂરી જાણકારીના આધારે સત્ય જાણ્યા વગર કોમેન્ટ કરવાનું પણ બંધ કરો.’

નિવેદનના અંતમાં શિલ્પાએ લખ્યું હતું કે, ‘હું એક કાયદાનું પાલન કરતી ભારતીય અને પાછલા 29 વર્ષથી કામ કરતી પ્રોફેશનલ મહિલા છું. લોકોએ મારી પર વિશ્વાસ મુક્યો છે અને મેં કદી કોઈનો વિશ્વાસ નથી તોડ્યો. તો હું તમને ખાસ નિવેદન કરૂ છું કે, મારા પરિવાર અને મારી પ્રાઈવસીના અધિકારનું સન્માન કરો અને હાલ અમને એકલા છોડી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે.’

Share: