રાજ કુંદ્રાની ઓફિસમાંથી મળી આવ્યું સિક્રેટ લોકર, ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજ જપ્ત

રાજ કુંદ્રાની ઓફિસમાંથી મળી આવ્યું સિક્રેટ લોકર, ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજ જપ્ત


–  કુંદ્રા કથિત પોર્ન મૂવીઝ બનાવીને ખૂબ પૈસા કમાયો હતો જેને તેણે ક્રિકેટ બેટિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં લગાવી દીધા હતા

નવી દિલ્હી, તા. 25 જુલાઈ, 2021, રવિવાર

રાજ કુંદ્રા સાથે સંકળાયેલા કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને તેમને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા સાથે સંકળાયેલા કેસમાં મુંબઈ પોલીસે ફરી એક વખત રાજ કુંદ્રાની ઓફિસમાં તપાસ કરી હતી. શનિવારે કરવામાં આવેલી આ શોધખોળ દરમિયાન એક ગુપ્ત લોકર મળી આવ્યું હતું જેમાં અનેક દસ્તાવેજો છે. પોલીસે તે દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટે કુંદ્રાની પોલીસ કસ્ટડી શુક્રવારે 27 જુલાઈ સુધી લંબાવી દીધી હતી. 

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે શનિવારે અંધેરી વેસ્ટ સ્થિત રાજ કુંદ્રાની ઓફિસ વિયાન કંપનીમાં ફરીથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક લોકર જપ્ત કરી લીધું હતું. જાણવા મળ્યા મુજબ તે લોકરને ઓફિસમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. તેમાંથી બિઝનેસ, ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 

રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પુછપરછ બાદ ક્રાઈમ બ્રાંચ આ કેસમાં આર્થિક ગોલમાલના એન્ગલની તપાસ પણ કરી રહ્યું છે. ક્રાઈમ બ્રાંચને એવી આશંકા છે કે રાજ કુંદ્રા કથિત પોર્ન મૂવીઝ બનાવીને ખૂબ પૈસા કમાયો હતો જેને તેણે ક્રિકેટ બેટિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં લગાવી દીધા હતા. 

19 જુલાઈએ થઈ હતી ધરપકડ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રાની 19 જુલાઈની રાતે ધરપકડ કરવામાં આવી હતી. તેના પહેલા તેના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત ધારાઓ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે, 45 વર્ષીય બિઝનેસમેન અશ્લીલ સામગ્રી નિર્માણ અને વેચાણની ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા આર્થિક લાભ કમાઈ રહ્યો હતો. પોલીસે કરેલા દાવા પ્રમાણે તેમણે રાજ કુંદ્રાનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને તેમાં રહેલી સામગ્રીઓની તપાસ જરૂરી છે. સાથે જ તેના બિઝનેસના સોદાઓ અને લેવડ-દેવડ પણ જોવી પડશે. 

પોલીસે કુંદ્રા ઉપરાંત અન્ય આરોપી રયાન થોરપેને પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેની કસ્ટડીનો સમય પણ 27 જુલાઈ સુધી લંબાવી દીધો છે. 

Share: